સિરામિક હડતાળથી ઘડિયાળ ઉદ્યોગની માઠી : ડિસ્પેચ સદંતર ઠપ્પ

- text


નવરાત્રી – દિવાળીની સિઝન આવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં તેજી આવે તે પૂર્વે જ મુશ્કેલી

મોરબી : સમગ્ર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદીને પગલે 10 ઓગસ્ટથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્વૈચ્છીક એક મહિનો શટડાઉન કરવામાં આવતા તેની સીધી અસર મોરબીના જગપ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગને પડી છે અને માંડ ગાડી પાટે ચડે તે પૂર્વે જ ઘડિયાળ ઉદ્યોગ આગામી તહેવારોની સિઝન સમયે જ આડકતરી મંદીની ચપેટમાં આવી ગયો છે.

તળિયા, નળીયા અને ઘડિયાળના ઉદ્યોગ માટે જાણીતા મોરબીના સિરામિક ઉદ્યોગમાં મંદી આવતા મોરબી સિરામિક એસોશીએશન દ્વારા ગત 10 ઓગસ્ટથી સ્વૈચ્છીક રીતે વોલ, ફ્લોર, વિટ્રીફાઇડ અને સેનેટરીવેર્સ યુનિટમાં એક મહિના માટે પ્રોડક્શન બંધ કરી દેતા મોરબીના ટ્રાન્સપોર્ટરો દ્વારા પણ ટ્રાન્સપોટેશન બંધ કરવામાં આવતા તેની સીધી જ અસર મોરબીના ઘડિયાળ ઉધોગ ઉપર પડી છે.

મોરબી કલોક એસોશિએસન પ્રમુખ શશાંકભાઈ દંગીના જણાવ્યા મુજબ સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ થતાં ટ્રાન્સપોર્ટેશન બંધ થયું છે જેના પરિણામે મોરબીમાં ઉત્પાદન થતી ઘડિયાળોનું ડિસ્પેચિંગ સદંતર પણે બંધ થઈ જવા પામ્યું છે.

- text

વધુમાં શશાંકભાઈ દંગીએ ઉમેર્યું હતું કે, ઘડિયાળ ઉદ્યોગમાં લાંબા સમયથી મંદી નો માહોલ છે. હાલમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર નજીક આવતા ઘડિયાળ ઉત્પાદકોને અત્યારે ઇન્કવાયરી ચાલુ થઈ છે પરંતુ ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી તૈયાર માલ બહારના રાજ્યોમાં મોકલવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે.

મોરબીના ઘડિયાળ ઉત્પાદક કૃણાલભાઈ મારું જણાવે છે કે, સામાન્ય રીતે ઘડિયાળના નાના ઉત્પાદકો નાની કોન્ટીટીમાં માલ ડિસ્પેચ કરતા હોય છે જેથી સમગ્ર દેશમાં સપ્લાય થતી સિરામિક આઇટમો સાથે ઘડિયાળ મોકલવામાં આવતી હોય છે પરંતુ હાલમાં સિરામિક ઉદ્યોગ બંધ હોય માલ જતો બંધ થયો છે.

આમ, સિરામિક ઉદ્યોગમાં આવેલી મંદી અને એક મહિનાના શટ ડાઉનને કારણે હાલમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગની હાલત કફોડી બની ગઈ હોવાનું ઉત્પાદકો જણાવી રહ્યા છે.

- text