મોરબી – બગથળા માર્ગના અધુરા કામથી અકસ્માતોની હારમાળા

- text


નવા બનેલા રોડની બન્ને તરફ મોરમ ન નાખી કોન્ટ્રાક્ટરે કડદો કરી લીધો : રોડ ઉપર પટ્ટા કરવાનું પણ માંડી વળાયું

મોરબી : મોરબી – બગથળા – આમરણ રોડનું કામ વર્ષો પછી તંત્રએ કર્યા બાદ રોડ કોન્ટ્રાકટર દ્વારા રોડની બન્ને તરફ મોરમ નાખવાનું માંડી વાળી રોડ ઉપર પટ્ટા પણ ન કરતા હાલમાં અનેક વાહન ચાલકો તંત્રની બેદરકારીનો ભોગ બની પરાણે પાટાપિંડી કરાવવા મજબુર બન્યા છે.

મોરબીથી વાવડી – બગથળા – આમરણ વચ્ચે લાંબા સમયથી બિસ્માર હાલતમાં મુકાયેલ મુખ્ય માર્ગ પ્રજાની અનેક રજુઆત બાદ નવો બની ગયો છે પરંતુ રોડના કોન્ટ્રકર દ્વારા જૂનો રોડ ખોદયા બાદ ડામરના મહાકાય કટકા રોડની બન્ને તરફ યથાવત રાખી દેતા ચારેક મહિનાથી રોડની બન્ને બાજુના ભાગમાં મોરમ પણ નાખવામાં આવી નથી.

વધુમાં રોડની બન્ને બાજુના ભાગે નિયમ મુજબ મોરમ નાખવામાં ન આવી હોવાથી સામે સામે વાહન આવે ત્યારે રોડથી નીચે ઉતરેલા વાહનને ફરી રોડ ઉપર ચડાવવામાં મુશ્કેલી થતી હોવાની સાથે નાના વાહન ચાલકો તો સીધા ભુફાકો જ ખાય છે.

વધુમાં રોડ કોન્ટ્રાકટર દ્વારા માર્ગ ઉપર રીફલેક્ટર નાખવા કે પટ્ટા નાખવાની પણ કામગીરી કરી ન હોય છેલ્લા ચાર માસથી બંધ થયેલી રોડની કામગીરી હવે ચોમાસાના નામે બંધ કરી દેવાશે પરિણામે અનેક વાહન ચાલકો તંત્ર અને કોન્ટ્રાક્ટરને પાપે અકસ્માતનો ભોગ બનવાની ગ્રામજનો દહેશત સેવી રહ્યા છે.

- text

બીજી તરફ આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ રોડની કામગીરી હજુ ચાલુ જ હોવાનું જણાવ્યું હતું. પરંતુ સવાલ એ ઉઠે છે કે રોડ બન્યાના ચાર ચાર માસ બાદ પણ કોન્ટ્રાકટરે રોડની નેખમ ભરવાની તસ્દી લીધી નથી ત્યારે શુ કોઈ નિર્દોષનો ભોગ લેવાયા બાદ જ કોન્ટ્રાકટર આ જીવલેણ રોડની કડ બુરશે ? તેવા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.

- text