ટ્રેકટર ટ્રોલી ઘરથી દૂર રાખવાનું કહેતા માતા-પિતા અને પુત્ર ઉપર હુમલો

- text


વાંકાનેર તાલુકાના મહીકા ગામનો બનાવ : ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઘર પાસે ટ્રેકટર અને ટ્રોલી પાર્ક કરનાર વ્યક્તિને ઘરથી દૂર ટ્રેકટર ટ્રોલી પાર્ક કરવાનું કહેતા ઉશ્કેરાયેલ ત્રણ ઈસમોએ માતા-પિતા અને પુત્ર ઉપર હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના મહીકા ગામે નવા બ્લોકમાં રહેતા ફારૂકઅલી અયુબભાઇ બાદીના ઘર પાસે આરોપી હામીદભાઈ માહમદભાઈ બાદીએ ટ્રેકટર અને ટ્રોલી પાર્ક કરતા ફરિયાદી ફારૂકઅલીના માતા અમીનાબેને ટ્રેક્ટર ટ્રોલી રાખવાની ના પાડતા હામીદભાઈ માહમદભાઈ બાદી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અમીનાબેનને હાથમાં તેમજ પગમાં લોખંડનો પાઇપ લઈને માર મારવા લાગ્યો હતો.

- text

વધુમાં બનાવને પગલે દેકારો થતા અમીનાબેનના પતિ અયુબભાઇ તેમજ ફરિયાદી પુત્ર ફારૂકઅલી વચ્ચે છોડાવા પડતા આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદી, આતીફભાઇ માહમદભાઇ બાદી અને ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદી રહે ત્રણેય-મહીકા,નવા બ્લોક વાળાઓએ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવા માતા, પિતા અને પુત્રને ધમકી આપી હતી. હાલ ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફારૂકઅલી અયુબભાઇ બાદીની ફરિયાદને આધારે આરોપી હામીદભાઇ માહમદભાઇ બાદી, આતીફભાઇ માહમદભાઇ બાદી અને ઇરફાનભાઇ અબ્દુલભાઇ બાદી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text