હળવદ : મયાપુર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટે કોરોના અંગે કડક નિયમો અમલી બનાવાયા

- text


મહામારીને ધ્યાનમાં લઈ સામાજિક પ્રસંગો ન યોજવા અને કામ વગર બહાર નહિ નીકળવા અનુરોધ

હળવદ : હળવદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની સ્થિતિ અત્યંત ચિંતાજનક જોવા મળી રહી છે. દરરોજ મોટી માત્રામાં પોઝિટિવ કેસ પણ સામે આવી રહ્યા છે. ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં લોકો જાગૃત બની કોરોનાથી બચવા વિવિધ નિર્ણયો લઇ રહ્યા છે. ત્યારે આજે હળવદ તાલુકાના મયાપુરની ગ્રામ પંચાયત દ્વારા પણ ગ્રામજનો સુરક્ષિત અને સ્વસ્થ રહે તે હેતુ સાથે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.

- text

મયાપુર ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને અપીલ કરવામાં આવી છે કે ગામમાં કોઈપણ જગ્યાએ વધારે લોકોએ એકઠા થવું નહીં. સાથે જ ગામમાં જ્યારે પણ નીકળવાનું થાય ત્યારે લોકો અવશ્ય માસ્ક બાંધે, ગામમાં અન્ય ગામથી આવતા લોકોને હાલ થોડા દિવસ માટે ના પાડવામાં આવેલ છે. તેમજ ફેરીયા શાકભાજીવાળાને થોડા દિવસ માટે ગામમાં પ્રવેશ આપવો નહીં, અગત્યના કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે સાથે જ હાલ નાના-મોટા પ્રસંગો કરવાનું પણ મોકૂફ રાખીએ તે જરૂરી છે. તેમજ વધુમાં એ પણ જણાવ્યું છે કે શાકભાજી માટે જે રેગ્યુલર વ્યક્તિ આવતા હોય તેના સિવાય અન્ય વ્યક્તિને ગામમાં પ્રવેશ આપવો નહીં. ઉપરોક્ત મુદ્દાને ગ્રામજનો પાલન કરે તેવી ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે.

વધુમાં, હળવદ તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને માયાપુર ગામના ભરતભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે હાલ અમારા ગામમાં જો ટેસ્ટિંગ કરવામાં આવે તો ૩૦થી ૪૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ આવે તેવી શક્યતા છે. સાથે જ હાલ ગામમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધતા જઈ રહ્યા છે. જેથી, ટીકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જાણ પણ કરી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી, તેમ જણાવ્યું હતું.

 

- text