માળીયા (મી.) : ગેરકાદેસર મીઠા ઉત્પાદકોના લીધે માછીમારી અને ખેતીમાં નુકસાન અંગે રજૂઆત

- text


માળીયા (મી.) : માળીયા (શહેર), હંજીયાસર, ખીરઇ, ચાખડી, વેણાસર, કાજરડા, સુલ્તાનપુર, શિકારપુર, માણાબા, ચેરાવાળી વિસ્તારનાં ગેરકાદેસર મીઠા ઉત્પાદનકર્તાઓ ધ્વારા અંદાજે દોઢથી બે લાખ એકર જમીન પેશકદમીને કારણે આ વિસ્તારના માછીમારીના ધંધાને તેમજ ખેતીની જમીનને થતા નુકશાન અંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે વર્ષ 2017માં થયેલ અતિવૃષ્ટીનાં લીધે મોરબી મચ્છુ-2 ડેમમાંથી છોડેલ પાણી તેમજ બનાસ નદીમાં આવેલ પુરના કારણે માળીયા (મી.) તાલુકાના ગામો જેવા કે માળીયા (શહેર), હંજીયાસર ,ખીરઇ, ચાખલી, વેણાસર, કાજરડા, સુલ્તાનપુર, શિકારપુર, માણાબા ચેરાવાળી, મંદારકી અને અનેક વાંઢ વિસ્તારમાં પારાવાર નુકશાની થયેલ હતી. તેમજ તાજેતરમાં થયેલ તા. 22, 23 અને તા. 30ના રોજ પડેલ અતિભારે વરસાદના કારણે બે વખત મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવેલ હતુ. આથી, આ તમામ વિસ્તારોને નુકશાનીનો સામનો કરવો પડયો છે.

- text

વધુમાં, અતિવૃષ્ટી તેમજ નદી-ડેમ પુર એ બધી કુદરતી આફતો છે. પરંતુ કિશોરભાઈની રૂબરૂ મુલાકાત દરમિયાન અસરગ્રસ્તો દ્વારા પુરને લીધે થયેલ પરીસ્થીતીનું કારણ કુદરતી નહીં પરંતુ માનવસર્જીત હોવાનું જણાયું છે. તેમજ આ વિસ્તારના લોકો દ્વારા શિકારપુર, માણાબા, કુલપરા વિસ્તાર સુધીમાં ગેરકાયદેસર મીઠું પકવવા માટે વગર મંજુરીએ નિજી સ્વાર્થ માટે લાગતા વળગતા, રાજકીય ઓથ ધરાવતા વ્યકિતઓએ મોટા બંધપાળાઓનુ બાંધકામ કરીને દરીયાના પાણીની કુદરતી અવર-જવર અટકાવીને તેમજ વરસાદી પાણીનાં નિકાલને દરીયામાં જતુ અટકાવીને હોનારતનું સર્જન કરીને હજારો ગ્રામજનોને મોતના મુખમાં ધકેલી દીધેલ તેમજ ખાનાખરાબી સર્જેલ છે.

આ ઉપરાંત, ગેરકાદેસર બંધપાળાથી આ વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગ તેમજ ખેતી ઉદ્યોગ મૃત:પ્રાય થઇ ગયેલ છે. હવે ભવિષ્યમાં અતિવૃષ્ટી તેમજ નદી-ડેમ પુર એ બધી કુદરતી આફતો આવશે. અને મત્સ્ય ઉદ્યોગ તેમજ ખેતી ઉદ્યોગ અને માનવ જાનમાલની નુકશાની થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. અને જરૂર જણાયે ન્યાય મેળવા કાનુની રાહે પણ વધવુ પડશે. જેથી, આ વિસ્તારોમાં જે કોઇએ ગેરકાયદેસર કબ્જો કરેલ જમીન પર બંધપાળા બાંધેલ હોઇ તે જમીનને ખુલ્લી કરાવવા લગતને નોટીસ આપી તાત્કાલીકના ધોરણે તોડી પાડવાની કાર્યવાહી તાત્કાલીક હાથ ધરવા વિનંતી કરાઈ છે.

- text