ઘુડખર અભ્યારણની જમીન પર ગેરકાયદે મીઠું પકવતા ભુમાફીયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં સુરજબારી પાસે ચેરાવાળી વિસ્તાર તરીકે આળખાતા વિસ્તારમાં ઘુડખર અભ્યારણને પોતાનું ઘર સમજી એક લાખ એકરથી પણ વધારે હેકટર જમીન ઉપર કબ્જો કરી મીઠું પકવતા ભુમાફીયા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા અંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે છેલ્લા ઘણી સમયથી શીકારપુર,ચેરાવાળી રણ વિસ્તારમાં મોટી કંપનીઓ દ્વારા મીઠું પકવવા ગેરકાયદેસર બંધપાળા બાંધેલ છે અને એક લાખ એકર કરતા પણ વધારે હેકટર જમીન પર પેશકદમી કરેલ છે. જેના કારણે માળીયા (મી.) તેમજ હળવદ તાલુકાના ખેડૂતોને અને માછીમારોને મોટુ નુકશાન થયેલ છે અને થતુ આવે છે. તેઓની આજીવીકા પણ છીનવાઇ ગયેલ છે.

આ વિસ્તારમાં પંદરથી વીસ ફુટ જેટલા ઉંચા બંધપાળા બાંધેલ છે. જેના કારણે વર્ષ 2017માં થયેલ અતિવૃષ્ટીનાં લીધે મોરબી મચ્છુ-2 ડેમમાંથી છોડેલ પાણી તેમજ બનાસ નદીમાં આવેલ પુરના કારણે માળીયા (મી.) તાલુકાના ગામો જેવા કે માળીયા (શહેર), હંજીયાસર ,ખીરઇ, ચાખલી, વેણાસર, કાજરડા, સુલ્તાનપુર, શિકારપુર, માણાબા ચેરાવાળી, મંદારકી અને અનેક વાંઢ વિસ્તારમાં પારાવાર નુકશાની થયેલ હતી. તેમજ તાજેતરમાં થયેલ તા. 22, 23 અને તા. 30ના રોજ પડેલ અતિભારે વરસાદના કારણે બે વખત મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવેલ હતુ. આથી, આ તમામ વિસ્તારોને નુકશાનીનો સામનો કરવો પડયો છે.

- text

વધુમાં, ઉપ૨વાસની બધી નદીઓના ઘોડાપુરનું બધુ પાણી નીચેથી જ દરીયામાં જાય છે પરંતુ આ ગેરકાયદે બાંધકામથી પાણીના નિકાસનો માર્ગ અવરોધાતા પૂરનું પાણી આજુબાજુના ગામના ખેતરોમાં ફરી વળે છે. તેથી, ખેતી પણ બંજર બની જાય છે. આ દરીયાઇ ૫ટી પર જમીન માફિયાઓએ અડીંગો જમાવી માછીમારોને ખોટી રીતે હેરાન-પરેશાન કરીને તેમજ દરીયાઇ પાણીની કુદરતી અવર-જવર રોકીને માછીમારી વ્યવસ્થા સાથે સંકળાયેલા 20થી 25 હજાર માછીમારોની આજીવીકા ઉપર તરાપ મારેલ છે. તેમજ આ વિસ્તાર ઘુડખર અભ્યારણમાં આવતો હોવા છતા અને પર્યાવરણનો મુદો પણ ગંભીર પ્રકારનો હોવા છતા ગેરકાયદેસર મીઠું પકવતી કંપનીઓ વિરૂધ્ધ કોઇ પગલા ભરવામાં આવતા નથી અને દરીયાઇ જીવ સૃષ્ટિને તેમજ મત્સય
ઉધોગ અને ખેતીની જમીનોને નુકશાન કરતા હોવા છતા તેઓની સામે કોઇ કાર્યવાહી કે પગલા લીધેલ નથી.

જેથી, આ વિસ્તાર ઘુડખર અભ્યારણમાં આવતો હોય, ત્યાં થયેલું ગેરકાયદેસર બંધપાળાનું બાંધકામ સત્વરે દૂર કરાવી આ જમીન ખુલ્લી કરાવીને મૂળ સ્થતિમાં લાવવા અને ગેરકાયદેસર પેશકદમી કરનારાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા તેમજ માછીમારી વ્યવસાયને પુન: ધબકતો કરવા અને ખેતીનાં ધંધાને નવજીવન આપવા વિનંતી કરાઈ છે. જો હવે આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં નહી આવો તો કાયદાકીય રહે જવાની ચીમકી આપવામાં આવી છે.

- text