મહાશિવરાત્રિના પાવન પર્વએ શૈલેષ સગપરિયાની આ વાત વાંચવા જેવી છે…

- text


(શૈલેષ સગપરિયા)
આજે મહાશિવરાત્રીનો પરમ પાવન દિવસ છે. દર મહિનાની અમાસ પહેલાનો દિવસ એટલે કે વદ ચૌદસ શિવરાત્રિ કહેવાય છે અને મહા મહિનાની વદ ચૌદસને મહાશિવરાત્રિ કહેવાય છે. શિવરાત્રિ અમાસ પહેલાના દિવસે એટલા માટે આવતી હશે કે માનવ જાતને સંદેશ મળે કે જીવનમાં અમાસ જેવો અંધકાર પથરાય એ પહેલાં હજુ જાગી જાવ અને જો જાગી શકો તો બીજા જ દિવસની પૂનમ તરફની યાત્રા શરૂ થશે.

દરેક જીવમાં એક શિવ છે જેને બહાર લાવવા માટે શિવજીના બાહ્ય દેખાવ પરથી પાંચ સંદેશાઓ આત્મસાત કરવાનો સંકલ્પ કરીને સાચા અર્થમાં મહાશિવરાત્રીની ઉજવણી કરીએ.

1. ભગવાન શિવનો નીલો કંઠ (જેના કારણે એમનું નામ નીલકંઠ પડ્યું છે) આપણને કહે છે કે પરિવાર અને સમાજના કલ્યાણ માટે ઝેર પીવાની તૈયારી રાખજો. ઝેરને ગળે ઉતારશે તો તમને મારી નાંખશે એને કંઠમાં સાચવતા શીખો. કડવી અને અપમાનજનક ઘટનાઓ પચાવતા શીખીએ.

2. ભગવાન શિવની ત્રીજી આંખ કહે છે ધર્મ, સંસ્કૃતિ કે મૂલ્યો પર આક્રમણ થાય ત્યારે નમાલો બનીને બેસી ના રહેલો. અહિંસાનો અંચળો ઓઢીને ભાગવાને બદલે મૂલ્યોના રક્ષણ માટે મહાપ્રલય સર્જવા જેવો સમર્થ થજે. બીકણ નહીં બળવાન બનજે.

3. ભગવાન શિવના ગળામાં રહેલો નાગ કહે છે કે અહંકારરૂપી સાપને અંકુશમાં રાખતા શિખજે. જો અહંકારને વશ કરવાને બદલે એને વશ થઈ જશો તો એનું ધીમું ઝેર તમને ખતમ કરી દેશે અને તમને એની ખબર પણ નહીં પડે.

4. ભગવાન શિવની જટામાંથી વહેતી ગંગધાર કહે છે કે તારા મસ્તકમાં રહેલું જ્ઞાન પ્રભુની પ્રસાદી છે એને સમાજ કલ્યાણ માટે સતત વહેતુ રાખજે. માત્ર સ્વાર્થ કેન્દ્રિત બનવાને બદલે તારા જ્ઞાનના પ્રવાહથી બીજાને લાભ થાય એવું કંઈક કાર્ય કરજે.

- text

5. ભગવાન શિવના મસ્તક પરનો ચંદ્ર સતત વિકસતા રહેવાની અને આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે. શિવજીના મસ્તક પર બીજનો ચંદ્ર છે. બીજનો ચંદ્ર પ્રગતિ દર્શાવે છે કારણકે બીજ થી પૂનમ સુધી એ સતત વધતો જ રહે છે એ જ રીતે જ્યાં હોઈએ ત્યાંથી સતત આગળ વધવા યોગ્ય ડગલાં માંડવા જોઈએ.

આ પાંચ સંદેશાઓ આત્મસાત કરી શકીએ તો અમાસના અંધારાથી અવશ્ય બચી જશું.

ૐ નમઃ શિવાય.

~ શૈલેષ સગપરિયા

- text