માળિયાના મેઘપર પાસે નદીમાં બેરલ અને હુણકા વડે અનોખા તુક્કાથી થતું રેતી ચોરી કૌભાંડ પકડાયુ

- text


પાણી ભરેલી નદીમાંથી રેતી કાઢવાના વિચિત્ર તુક્કો જોઈને તંત્ર પણ દંગ રહી ગયું : માળિયા મામલતદાર ટીમે દરોડો પાડ્યા બાદ વિસ્તાર મોરબીની હદમાં આવતો હોવાથી મોરબી મામલતદાર અને તાલુકા પોલીસે હાથ ધરી કાર્યવાહી

મોરબી : માળિયા તાલુકાના મેઘપર ગામે નદીમાં બેરલ અને હુણકા વડે અનોખા તુક્કાથી થતી રેતી ચોરીનું કૌભાંડ માળિયા મામલતદારની ટીમે પકડી પાડ્યું છે. જો કે આ વિસ્તાર મોરબીની હદમાં આવતો હોવાથી બાદમાં મોરબી મામલતદાર અને તાલુકા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના મેઘપર નવાગામ નજીક સિમ વિસ્તારમાં સર્વે નંબર 52 પાસે મચ્છુ નદીમાં ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ મળતા માળિયા મામલતદારની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા વેળાએ રેતી ચોરીના નવો તુક્કો જોઈને માળિયા મામલતદાર ટિમ પણ દંગ રહી ગઈ હતી. અહીં 28 બેરલને પાઇપ અને હુંણકા સાથે જોડવામા આવ્યા હતા. હુણકામાં મશીન મુકવામાં આવ્યું હતું. જે પાણી અને રેતીને ખેંચીને કિનારે થાલવતું હતું. જ્યા પાણી તેની મેળાએ વહી જતું અને રેતી એકત્ર થતી હતી. આ રીતે પાણીથી ભરેલી નદીમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી હતી. માળિયા મામલતદારની ટીમે આ તમામ સામાન અને એક હીટાચી કબજે લીધા હતા.

- text

જો કે આ વિસ્તાર મોરબીની હદમાં આવતો હોવાથી આ અંગે મોરબી મામલતદારને જાણ કરવામાં આવી હતી. જેથી મોરબી મામલતદારની ટિમ અને મોરબી તાલુકા પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરોડા દરમીયાન રેતી ચોરી કરતા શખ્સો નાશી છૂટયા હતા. હાલ મોરબી મામલતદાર ટીમે આ રેતી ચોરીના કૌભાંડ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text