હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિયામાં લોકો પોલીસના સપોર્ટમાં આવ્યા

- text


તેલંગાણા પોલીસ દ્વારા રિકન્ટ્રક્શન કરાવતા સમયે નાસવાનો પ્રયાસ કરતા નેશનલ હાઇવે ૪૪ પર જે જગ્યાએ હેવાનીયત આચરેલી એ જ જગ્યાએ થયું એન્કાઉન્ટર : મોરબી જિલ્લા સહિત ગુજરાતભરના સોશિયલ મીડિયામાં પોલીસની કામગીરીના સ્પોર્ટમાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે

મોરબી : આઠ દિવસ પહેલા હૈદરાબાદમાં 4 હેવાનોએ મહિલા વેટરનરી ડોકટર પર સામુહિક દુષ્કર્મ આચરી બાદમાં સળગાવી દઈ તેની જઘન્ય હત્યા કરી હતી. એ તમામ ચાર આરોપીઓને તેલંગાણા પોલીસે ઝડપી લીધા હતા. આ આરોપીઓને આજે વહેલી સવારે 3 વાગ્યે બનાવના સ્થળ પર રિકન્ટ્રક્શન માટે લઈ જવાયા ત્યારે ચારેય આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નાસી રહેલા આરોપીઓનો પીછો કરતા પોલીસે ગોળીઓ ચલાવીને આરોપીઓને ઠાર કરી દીધા હતા.

આ સમાચાર સામે આવતા જ ગુજરાત સહિત દેશભરમાં સોશિયલ મીડિયામાં લોકોના પ્રત્યાઘાતો આવવા શરૂ થયા હતા. જેમાં મોટાભાગના લોકો પોલીસની કામગીરી અને એન્કાઉન્ટરના સ્પોર્ટમાં ખુલીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને પોલીસની કામગીરીને યથાર્થ ઠેરવી રહ્યા છે. મોરબી શહેર તથા જિલ્લામાં પણ લોકોએ આ એન્કાઉન્ટર અંગે સોશિયલ મીડિયામાં પ્રત્યાઘાતો આપવા શરૂ કર્યા હતા. મોરબી શહેરમાં આજે સવારથી જ આ એન્કાઉન્ટર ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. લોકો ચોરેને ચોટે આ બનાવની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો આ બનાવને લઈને પોતાના પ્રત્યાઘાતો આપી રહ્યા છે. જેમાં મોટાભાગના લોકો આ એન્કાઉન્ટરને વાજબી ઠેરવી રહ્યા છે અને તેલંગાણા પોલીસની કાર્યવાહીને બિરદાવી રહ્યા છે. તો ઘણા લોકો દેશમાં બનેલી અન્ય દુષ્કર્મની ઘટનાના આરોપીઓને પણ આવી જ સજા આપવી જોઈએ એવું જણાવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની પ્રતિક્રિયા આ એન્કાઉન્ટરના સમર્થનમાં આવી રહી છે.

- text

જો કે ઘણા બુદ્ધિજીવીઓ આ એનકાઉન્ટરને ભારતીય કોર્ટ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવીને જોઈ રહી છે. એક વર્ગ કોર્ટ પ્રક્રિયામાં થતો વિલંબ અને આરોપીઓને ગુન્હેગાર સાબિત થયા બાદ સજા થવામાં થતા વિલંબ સાથે જોડીને જોઈ રહ્યા છે. ભારતીય ન્યાય પ્રક્રિયા સામે સવાલો ઉઠાવીને સોશિયલ મીડિયામાં ચર્ચા જામી છે. “મોડો મળતો ન્યાય એ ન્યાય ન મળવા બરોબર છે” એવું લોકો જણાવીને આ એન્કાઉન્ટરને વાજબી ઠેરવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં જે સ્થળ પર મહિલા તબીબને સળગાવવામાં આવ્યા હતા એ જ સ્થળે વહેલી સવારે પોલીસે એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓને ઠાર કરતા વહેલી સવારથી ઘટના સ્થળ નેશનલ હાઇવે 44 પર લોકો ઉમટી પડ્યા હતા. એક પોલીસ વેનમાં આરોપીઓને લઈ જવાયા ત્યારે કેટલીક અન્ય પોલીસની ગાડીઓ પણ સાથે હતી.

દેશમાં આ સમાચાર ફેલાતા જ તેના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવવા લાગ્યા છે. મોટાભાગના લોકો પોલીસની આ કાર્યવાહીને બરોબર માની રહ્યા છે ત્યારે ઘણા લોકો પોલીસ કાર્યવાહીને શંકાસ્પદ માની રહ્યા છે. જો કે દુષ્કર્મ-હત્યાનો ભોગ બનેલા મહિલા ડોકટરના પરિજનોએ પોલીસની કાર્યવાહીને ત્વરિત ન્યાય આપતી પ્રક્રિયા સ્વરૂપે મૂલવી છે.

દેશમાંથી પણ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેમાં DCWના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ કે જેઓ આ બનાવ બાદ દિલ્હીમાં ઉપવાસ પર બેઠા હતા તેઓએ આ બનાવ ન્યાય પ્રક્રિયાની ખામી સાથે સરખાવ્યો છે. તો અનુપમખેર , NCWના અધ્યક્ષ રેખા શર્મા, માયાવતી, ‘આપ’ના સંજયસિંહ સહિતના તમામ લોકોની પ્રતિક્રિયા હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે.

- text