મોરબીમાં ગૌમાતાના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન

- text


નફાની તમામ રકમ ગૌ શાળાઓ અને જરૂરિયાતમંદ વિદ્યાથીઓને અર્પણ કરી દેવાશે : કીર્તિદાન ગઢવી દરરોજ ખેલૈયાઓને કરાવશે જલશો : ઇન્ડિયન આઇડલના વિનર અને રનર્સ અપ સિંગર પણ મોરબીવાસીઓને ઝુમાવશે

મોરબી : મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે સતત પાંચમા વર્ષે ગૌ માતા અને તેજસ્વી છાત્રોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આ વર્ષના નવરાત્રી મહોત્સવની વિશેષતાએ રહેશે કે તેમાં ઉંચા ગજાના ગણાતા જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી ખેલૈયાઓને મન ભરીને ગરબે ઝૂમાવવાના છે. સાથો સાથ આ નવરાત્રી મહોત્સવમાં ઇન્ડિયન આઇડલના સ્ટાર સિંગર પણ હાજરી આપી મોરબીવાસીઓને મોજ કરાવવાના છે. પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજન અંગેની પ્રેસ કોન્ફરસમાં અજયભાઈ લોરીયાએ જણાવ્યું હતું કે મોરબીના રવાપરમાં ધૂનડા રોડ પર ન્યુ એરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મ ખાતે તા. 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી પાટીદાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવ ગાયો અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવે છે. ગત વર્ષે આ નવરાત્રી મહોત્સવમાંથી 37 લાખનો નફો થયો હતો. જેમાંથી આઠમના દિવસે જ રૂ. 21 લાખ ગૌશાળાઓને તેમજ રૂ. 16 લાખ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી માટે આપી દેવામાં આવ્યા હતા. આ વર્ષે પણ આઠમના દિવસે જ નફાનું ગૌશાળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવામાં આવશે.

વધુમાં આ વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી અને સારેગામાપાની ઈન્દ્રાણી ભટ્ટાચાર્ય ખેલૈયાઓને મન ભરીને ઝુમાવશે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિકાસ વિદ્યાલયની બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને પણ અહીં લઈ આવીને ગરબે રમાડવામાં આવશે.

- text

નવરાત્રી મહોત્સવમાં તા.4 ના રોજ ઇન્ડિયન આઇડલના 2018ના વિનર સલમાન અલી તેમજ તા.7ના રોજ તેમનો જોડીદાર રનર્સ અપ નિતીનકુમાર લોકોને ડોલાવશે. આ નવરાત્રી મહોત્સવ 20 વિઘા જેટલી વિશાળ જગ્યામાં યોજાનાર છે. સાથે 30 વિઘા જેટલી જગ્યામાં પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવશે. દાતાઓને વિવિઆઈપી પાર્કિંગની સુવિધા આપવામાં આવનાર છે. ગ્રાઉન્ડમા ખેલૈયાઓને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ વ્યવસ્થા હશે. ગ્રાઉન્ડ 12 થી 15 હજાર ખેલૈયાઓ રમી શકે તેટલી કૅપેસિટી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રી મહોત્સવ યોજવાનો હેતુ જેટલો ઉમદા છે તેટલું જ ઉમદા આયોજન કરવામાં આવ્યું છે. અહીં નવેય નોરતામાં ખેલૈયાઓને જલસા પડી જવાના છે.

આ સમગ્ર આયોજન ગૌ માતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના લાભાર્થે કરવામાં આવ્યું હોય, તમામ નફો સેવા કાર્યમાં વાપરવાનો હોય કોઈ વ્યક્તિએ પાસની માંગણી કરીને શરમમાં ન મુકવા આયોજકોએ નમ્ર અપીલ પણ કરી છે. પાસની ખરીદીના દરેક રૂપિયા સેવામાં જ જવાના છે. માટે દરેક લોકોને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં આયોજકોએ જણાવ્યું છે કે જે દાતા સીધા ગૌ શાળામાં જ અનુદાન આપી દેશે તેઓની પણ નવરાત્રીમાં જાહેરાત કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે આયોજક અજયભાઈ લોરીયા તેમજ સમિતિના સંજયભાઈ આદ્રોજા, મેહુલભાઈ ભટ્ટાસણા, બ્રિજેશભાઈ જેઠલોજા, સંદીપભાઈ જાલરિયા, એ.જે.અમૃતીયા, હરેશભાઇ રૂપાલા, પરેશભાઈ કાસુન્દ્રા, રવિ કોરડીયા, પ્રશાંતભાઈ ગજ્જર, અશ્વિનભાઈ લિખિયા અને જયભાઈ અંબાણી, પંકજ પટેલ, તુસાર ઓગણજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- text