મોરબીમાં NSFA રેશનકાર્ડના ઘઉં – ચોખા કાળાબજારમાં વેચવાનો ધીકતો ધંધો

- text


સાચા ગરીબોના બદલે અમીરોના નામે નીકળેલા નેશનલ ફૂડ સિક્યુરિટીના હજારો રેશનકાર્ડ : પાસ ધારકની જાણ બહાર ચાલતો ગોરખધંધો

મોરબી : કેન્દ્ર રાજ્ય સરકારની ગરીબો માટેની આશિર્વાદરૂપ નેશનલ ફૂડ સિક્યોરિટી યોજના એટલે કે NFSA સ્કીમ હેઠળ બે રૂપિયે કિલોગ્રામ ઘઉં અને ત્રણ રૂપિયે કિલોગ્રામ ચોખા ગરીબો કે જરૂરતમંદ લોકોને આપવાને બદલે આ યોજનાનો ખોટો લાભ મેળવી સસ્તા અનાજના ખાઉંધરા અને કાળાબજારીયા વેપારીઓ ખુલ્લા બજારમાં બેફામ કાળાબજારી કરતા હોવાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે.

મોરબી જિલ્લા પુરવઠા તંત્રના ખુલ્લા આશીર્વાદથી સસ્તા અનાજના વેપારીઓ બેફામ બન્યા છે અને સરકારની લાભદાયક યોજનાના લાભ ગરીબ કુટુંબને આપવાને બદલે પોતાના આને અધિકારીઓના ઘર ભરવા માટે કેન્દ્ર સરકારની ગરીબો માટેની આશીર્વાદરૂપ NSFA એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી યોજનાનો ગેરલાભ લઈ ગરીબ પરિવારોને આ લાભથી વંચિત રાખવામાં આવી રહયા હોવાનું બહાર આવ્યું છે.

કેન્દ્ર સરકારના નિયમ મુજબ જે ગરીબ પરિવાર પાસે રહેવા માટે આશરો નથી અથવા તો કાચા મકાનમાં રહેતા હોય તેવા કુટુંબ ભૂખ્યા ન રહે તે માટે ફક્ત બે રૂપિયે કિલોગ્રામ ઘઉ અને ત્રણ રૂપિયે કિલોગ્રામ ચોખા કુટુંબના સભ્યોની સંખ્યાને આધારે આપવામાં આવે છે પરંતુ મોરબીમાં આ યોજનાનો ખરા લાભાર્થીને લાભ આપવાને બદલે અનેક વગદાર અમીરોના નામે NFSA કાર્ડ નોંધાઇ ગયા છે અને અનેક પરિવાર તો એવા છે કે જેમને ખબર પણ નથી કે તેમના નામ NFSA રેશનકાર્ડમાં છે!

- text

આ સંજોગોમાં વર્ષોથી કેરોસીનનો કાળા બજાર કરતા ચાલક અને ચબરાક સસ્તા અનાજના વેપારીઓ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરો સાથે મિલીભગત આચરી જરૂરત ન હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપી દીધો છે અને છાને ખૂણે આવા ઘઉં ચોખા ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે બે રૂપિયે કિલોગ્રામ ઘઉ આપવા આવે છે તે ખુલ્લા બજારમાં રૂપિયે ૧૫ થી ૧૬ રૂપિયે કિલો શ્રમિકોને ધાબળવામાં આવે છે અને ૩ રૂપિયે કિલોગ્રામ આપવાના ચોખા તો ૨૨ થી ૨૫ રૂપિયે પરપ્રાંતીય શ્રમિકોને સસ્તા અનાજની દુકાનેથી જ બેખોફ વેચવામાં આવી રહ્યા છે.

શુ આ કાળાબજારીના ગોરખધંધાની જાણ પુરવઠા વિભાગને નહિ હોય તેવા સ્વાભાવિક પણે ઉઠતા સવાલનો જવાબ એ છે કે પુરવઠા વિભાગના હંગામી કોમ્પ્યુટર ઓપરેટરથી લઈ ક્લાર્ક, નાયબ મામલતદાર, પુરવઠા નિરીક્ષક ( ઇન્સ્પેકટર) અને ખુદ ડીએસઓ એટલે કે, જિલ્લા પુરવઠા અધિકારી પણ જાણતા હોવા છતાં ભેદી મૌન ધારણ કરી કાળાબજારને મુકપ્રેક્ષક પણે નિહાળી રહ્યા છે.

આ સંજોગોમાં હળવદમાં ચાલતું અનાજ કૌભાંડ હોય કે પછી દસ દિવસ પહેલા પકડાયેલ ઘઉં – ચોખાનો ટ્રક હોય ! નિષ્ઠાપૂર્વકની તપાસના અભાવે મોરબી જિલ્લામાં કેરોસીનનો કાળો કારોબાર બંધ થયા બાદ હવે એનએફએસએ યોજના કાળાબજારીઓ માટે આશીર્વાદરૂપ બની હોવાની વાત સ્પષ્ટ બની છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text