મોરબી : ફોરટ્રેક કામગીરીમાં ઘોર લાપરવાહીને પાપે હાઇવે બન્યો યમરાજ !

- text


 

શનાળાથી અજંતા સુધી કોઈ પણ ભયસૂચક ચેતવણી વગર હાઇવે ખોદી નંખાતા યમરાજનો મુકામ : રોજે – રોજ સર્જાતા નાના મોટા અકસ્માત

મોરબી : મોરબી – રાજકોટ હાઇવેને ફોરટ્રેક બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને સરકારી બાબુઓની આંખ મિચામણા જેવી નીતિને કારણે હાઇવે ઉપર યમરાજે ડેરા તંબુ તાણ્યા છે અને રોજે – રોજ અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

હાલમાં મોરબી – રાજકોટ હાઇવે ફોરટ્રેક બનાવવા કામગીરી ચાલી રહી છે પરંતુ હાઇવેની બન્ને તરફની સાઈડો ખોદી નાખ્યા બાદ કોઈ સાઈન બોર્ડ ન મુકવાથી છાસવારે થતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગોકળગાયની ગતિએ ચાલી રહેલ કામગીરીમાં કોન્ટ્રાકટર અને આરએન્ડબી દ્વારા સુરક્ષાના નીતિ નિયમોને નેવે મુકવામાં આવ્યા છે.

હાઇવેને ફોર ટ્રેક બનાવવાની કામગીરી અંતર્ગત જે જગ્યાએ ખોદ-કામ ચાલતું હોય તે જગ્યાની આસપાસ દિવસે અને રાત્રે વાહન ચાલકો દુરથી જોઈ પારખી શકે એ મુજબના સાઈન બોર્ડ અને આડશો મુકવી ફરજીયાત અને જરૂરી છે. જે નિયમનો અહી સરેઆમ ઉલાળીઓ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આ જગ્યાએ વારંવાર નાના મોટા અકસ્માતો બનતા રહે છે.

ઉપરાંત હાલમાં મોરબી નજીક શનાળા ગામથી બે કિલોમીટર સુધી સળંગ ફોરટ્રેક હાઇવે માટે કરવામાં આવેલા ખોદકામને આડસો મૂકી સુરક્ષિત કરવામાં આવ્યું નથી. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા આ રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરની ઘોરબેદરકારીના પાપે હાલમાં વારંવાર અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે.

તદુપરાંત લાપરવાહીને કારણે વાહનોને ગંતવ્ય સ્થાન સુધી પહોચવામાં વધુ સમય લાગતો હોવાથી ઈંધણનો પણ વ્યય થાય છે. લોકોને પડતી આ હાડમારીથી તંત્ર અજાણ હોય તેમ માનવાનું કોઈ કારણ નથી. જવાબદાર તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.અન્યથા કોઈ મોટો અકસ્માત બનવાની આશંકા સેવાઈ રહી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text