મોરબીમાં વોટ્સએપની મદદથી કેરળ પુરપીડિતો માટે રૂ. ૧ લાખનો ફાળો એકત્ર થયો

- text


વોટ્સએપમાં જાગૃત નાગરિકની એક ટહેલથી સહાયનો ધોધ વરસી પડ્યો
મોરબી : મોરબીમાં વોટ્સએપ પર એક જાગૃત નાગરિકે કેરળ પુરપીડિતોની સહાય માટેની ટહેલ કરી હતી. આ ટહેલથી સહાયનો ધોધ વરસી પડતા કુલ રૂ. ૧ લાખ જેવો માતબર ફાળો એકત્ર થઈ ગયો છે. આમ વોટ્સએપની મદદથી કેરળ માટે સહાય એકત્ર કરવામા આશ્ચર્યજનક પરિણામ મળ્યું હતું.

ટેકનોલોજીના ફાયદા સાથે નુકશાન પણ અનેક છે. ત્યારે ઘણા લોકો સેવાકાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી આશ્ચર્યજનક પરિણામ લાવતા હોય છે. આવો જ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. મોરબીના પોપ્યુલર હાઉસના તુષારભાઈ દફ્તરીએ કેરળના પુરપીડિતોને મદદરૂપ થવા માટે વોટ્સએપ પર ટહેલ નાખી હતી. તુષારભાઈ ૭થી ૮ ગ્રૂપના એડમીન છે. આ ગ્રૂપમાં કેટેગરી વાઇઝ ધંધાર્થીઓ , ફેમેલી અને મિત્રોનો સમાવેશ થાય છે.

- text

તેઓની કેરળ પુરપીડિતોની ટહેલને સૌ કોઈએ ઝીલીને ૪ દિવસમાં રૂ. ૭૦ હજારની રકમ સહાય અર્થે અનુદાન કરી હતી. પરંતુ તેઓએ ટહેલની સાથે ટાર્ગેટ રૂ. ૧ લાખ દર્શાવ્યો હતો. જેથી તેઓએ ફરી વખત આ મેસેજ ગ્રૂપમાં નાખ્યો હતો. અંતે તેઓને સફળતા મળી અને રૂ. ૧ લાખની રકમ એકત્ર થઈ હતી. આમ તુષારભાઈએ વોટ્સએપનો કરેલો સદુપયોગ આજના નવયુવાનો માટે પ્રેરણાદાયી છે.

હાલ કેરળની સ્થિતિ નાજુક છે. લાખો લોકો પાસે ખાવા માટે અનાજ, પહેરવા માટે કપડા અને રહેવા માટે છત નથી. ત્યારે મોરબીના કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી અને ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયાએ કેરળના પુરપીડિતો માટે મદદનો પોકાર કર્યો છે. તેઓએ જણાવ્યું કે અગાઉ મોરબીની પુર હોનારતની ઘટના વખતે દેશ વિદેશની સહાયનો ધોધ વરસ્યો હતો. ત્યારે હવે કેરળમાં પુર આવ્યું છે. જેથી તેઓની સહાય કરીને મોરબીવાસીઓએ ઋણ ચૂકવવું જોઈએ તેવી અપીલ છે.

- text