કચ્છનું નાનું રણ બની શકે છે એશિયાનું સૌથી મોટું સરોવર : જયસુખભાઈ પટેલ (ઓરેવા ગ્રુપ)

- text


૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારના નાના રણમાં નર્મદા ડેમ જેટલું સંગ્રહી શકાશે મીઠું પાણી : મામુલી ખર્ચે બંજર જમીન ગ્રીનબેલ્ટમાં ફેરવવાની ઊજળી તક

મોરબી : શું હજારો ચોરસ કિલોમીટર સૂકા ભઠ્ઠ રણ પ્રદેશને લીલોછમ હરિયાળો બનાવી શકાય ? શું ખારાપટ જેવા રણ પ્રદેશમાં કે જ્યાં મીઠું પકવાતું હોય ત્યાં મીઠા પાણીનો જથ્થો સંગ્રહી શકાય ? શું ખારાની જમીનમાં ખેતીવાડી શક્ય છે ખરી ? શું સમગ્ર એશિયામાં એક માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતા ઘુળખરો માટે ઉનાળામાં આપણે પાણી ઘાસચારાની વ્યવસ્થા કરી શકીએ ?? સામાન્યતઃ આ બધા પ્રશ્નોના જવાબ ના માં જ હોઇ શકે પરંતુ મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ઓરેવા- અજંતા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલનો ડ્રિમ પ્રોજેકટ જોઈએ તો સાવ મામુલી ખર્ચમાં કચ્છના નાના રણમાં સરકાર એશિયાનું સૌથી મોટું રણ સરોવર બનાવી શકે તેમ છે !!

ઓરેવા-અજંતા ગ્રુપના ચેરમેન જયસુખભાઈ પટેલ હંમેશા કઈક નવું કરવામાં માને છે પછી એ પોતાનો ઘડિયાળ બિઝનેશ હોય કે એલઈડી લેમ્પ પ્રોજેકટ હોય કે ઇલેક્ટ્રિક બાઇક, હંમેશા તેઓએ પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવી સમાજને શુ સારું મળે તેવી ભાવના કેળવી છે, અને એમની આવી જ વિશાળ બહુજન હિતાય બહુજન સુખાયની ભાવનાથી અત્યાર સુધી કોઈનું પણ ધ્યાન ન ગયું હોય તેવી બાબત પર દ્રષ્ટિ કરી આવનાર ભવિષ્યમાં સોનેરી ઇતિહાસ સર્જાય તેવી પરિકલ્પના તેમણે ન કેવલ મોરબી માટે બલ્કે સમગ્ર રાષ્ટ્ર અને એશિયામાં સૌથી મોટું મીઠા પાણીનું સરોવર અને એ પણ સુક્કા ભઠ્ઠ રણ વિસ્તારમાં સાકાર કરવાનું સ્વપ્ન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજુ કરતા હાલ પીએમઓ કાર્યાલય તરફથી આ પ્રોજેકટ પર શોધ સંશોધન કરવા મંજૂરીની મહોર લગાવાઈ છે.

રણ સરોવર વિશે જયસુખભાઈ પટેલના વિચારો અને યોજના અંગે વિગતે જોઈએ તો કચ્છના રાષ્ટ્રીય ધોરી માર્ગ આવેલ સામખીયાળીનો જૂનો બ્રિજ આ પ્રોજેકટનું હાર્દ છે ફોરલેન હાઇવે પ્રોજેકટ બાદ સાવ નકામા બની ગયેલા જુના પુલના નાલા બંધ કરી દેવામાં આવે તો દરિયાના ખારા પાણી કચ્છના વિશાળ નાના રણમાં આવતા અટકી શકે છે અને દરિયાના ખારા પાણીથી બંજર બની ગયેલ નાણાં રણની જમીન ગ્રીનબેલ્ટમાં ફેરવાઈ જઈ આવનાર બે-ચાર વરસમાં જ ફળદ્રુપ બની સેંકડો અગરિયા પરિવારો, માલધારીઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે અને ટુરિઝમના દ્રષ્ટિકોણથી જોરદાર વિકાસની તકો સાથે વડાપ્રધાનના સી પ્લેન પ્રોજેકટ માટે પણ ખૂબ જ ઉપયોગી બને તેમ છે.

રણ સરોવર પ્રોજેકટ પર છેલ્લા ઘણા સમયથી સંશોધન કરી રહેલા જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓની ઇ-બાઈક ફેકટરી સામખીયાળીમાં આવેલ છે જેથી દરરોજ અહીંથી આવન – જાવન કરવાથી તેમજ ફરવાના શોખને કારણે કચ્છના નાના રણની વારંવાર મુલાકાત બાદ તેમના મનમાં રણ સરોવરનો વિચાર ઝબકયો ! ૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવતા કચ્છના નાના રણને ફરતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના નવ જિલ્લા જોડાયેલ છે અને અહીં માનવ જીવન નહીં બરાબર છે આ વિશાળ પ્રેદેશમાં ઘુડખર અભ્યારણ અને ૫૦ થી ૬૦ હજાર અગરિયાઓ કે જે મીઠું પકવી માંડ જીવન નિર્વાહ કરે છે અને પછાત વિસ્તારને કારણે અહીં મોબાઈલ સિગ્નલો પણ ન મળતા હોવાનું ઉમેરી તેઓએ જણાવ્યું કે વારંવારની નાના રણની મુલાકાત દરમિયાન જુલાઈ ઓગષ્ટના ચોમાસુ કાળમાં અહીં મીઠા પાણીના સરોવરની તેમની કલ્પના ખરા અર્થમાં સાકાર થતી જણાતા તેઓ રણ સરોવર માટે વધુ જિજ્ઞાસુ બન્યા અને આ માટે ટેક્નિકલ અને અન્ય દેશોમાં આવું છે કે કેમ તેની ચકાસણીમાં લાગી ગયા.

કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર આમતો સપાટ અને અફાટ છે અહીં કાળી માટી વિપુલ માત્રામાં છે અને ચોમાસા દરમિયાન તો ૩૦૦૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાય જાય છે અને નાના મોટા ૭૫ જેટલા આઇલેન્ડ આ મરુભૂમિની શોભામાં અનેરો વધારો કરે છે, જયસુખભાઈ ઉમેરે છે કે તેમને આ પ્રોજેકટ વિશે નર્મદા યોજનાના કુશળ અધિકારી અને તેમના મિત્ર એવા ડો.નરમાવાલા અને અનિલ કાણે ને જણાવતા તેઓ પણ અચંબિત બની આ પ્રોજેકટ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તે વાતમાં સહમત બનતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આ બાબતથી અવગત કરાવ્યા હતા અને જયસુખભાઈએ નિરંતર પ્રયાસ કરતા રહેવાની સાથે સાથે રણ સરોવર પ્રોજેકટમાં ગળાડૂબ બની સંશોધન ચાલુ રાખ્યા હતા અને હવે ફરી આ બાબત વડાપ્રધાન મોદી સમક્ષ મુકતા હાલ પીએમઓ કાર્યાલય દ્વારા આ પ્રોજેકટ પર શોધ સંશોધન હાથ ધરાયુ છે.

જયસુખભાઈની પરિકલ્પના મુજબ માત્ર પચાસ – સો કરોડના ખર્ચમાં એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કચ્છના રણમાં બની શકે તેમ છે અને આ રણ સરોવર થકી નર્મદાડેમ જેટલી વિપુલ જળરાશી સંગ્રહી ખેતી અને પીવાના પાણીની સમસ્યાનો અંત લાવી એક હરિયાળી ક્રાંતિ લાવી શકાય તેમ છે.

આટલા વિશાળ રણ પ્રદેશમાં મોટી માત્રામાં પાણી આવશે ક્યાંથી તે સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે કચ્છના નાના રણમાં રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળા વિસ્તારના આબુ, શિરોહી, ઉદયપુર જેવા વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાલનપુર, થરાદ, પાટણ, સિદ્ધપુર, શંખેશ્વર, સાંતલપુર, ભાભોર, દિયોદર તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારો અને મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ચોટીલા, વાંકાનેર,લીમડી, બગોદરા, બહુચરાજી, વિરમગામ સહિતના વિસ્તારો અને મધ્યપ્રદેશથી કેનાલ મારફતે આવતા નર્મદાના નિરને ચોમાસા દરમિયાન વહાવી અહીં ઠાલવી શકાય છે.

- text

આ માટે હાલમાં કચ્છ હાઇવે પર ફોરલેન પ્રોજેકટને કારણે સામખીયાળીના નવા બ્રિજ બનતા જૂનો બ્રિજ તદ્દન બિનઉપયોગી થઈ પડ્યો છે જે સવા કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને અહી થી હડકીયા ક્રિકના ખારા પાણી કચ્છના નાના રણમાં પ્રવેશે છે જો સામખીયાળી બ્રિજના નાલા બંધ કરી દેવામાં આવે તો દરિયાના ખારા પાણી રણમાં આવતા અટકશે અને દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં છેક રાજસ્થાન, પાલનપુર, બનાસકાંઠા, ભાભોર મહેસાણા, સિદ્ધપુર, પાટણ, શંખેશ્વર સહિતના જિલ્લાઓની ૧૧૦ જેટલી નદીઓના મીઠા પાણીનો સંગ્રહ શક્ય બનશે. ૫૦૦૦ ચોરસ કિલોમીટર રણ પ્રદેશમાં ફક્ત સાત થી આઠ ફૂટ ઊંડાઈમાં પણ જો પાણી સંગ્રહ થાય તો નર્મદા ડેમમાં હાલ સંગ્રહ થતું ૯,૪૬,૦૦૦ કરોડ લીટર પાણી સંગ્રહ થાય છે તે જ રીતે અહીં ૯,૦૦,૦૦૦ કરોડ લીટર મીઠા પાણીનો સંગ્રહ શક્ય છે ! મતલબ કે રણ સરોવરમાં કુદરતી રીતે જ નર્મદા ડેમ જેટલી જળ રાશિ કુદરતી રીતે ઉપલબ્ધ બની શકે તેમ છે અને એ પણ સાવ ૫૦ કે ૧૦૦ કરોડના ખર્ચમાં.

વધુમાં તેમને ઉમેર્યું કે મોટા જળાશયો બાંધવા માટે વિસ્થાપનનો પ્રશ્ન મુખ્ય હોય છે પરંતુ અહીં તો બંજર પ્રદેશ હોવાથી માનવ વસ્તી નહીં બરાબર છે જેથી વિસ્થાપન કે વેરાન પ્રદેશમાં વૃક્ષ છેદન કે પ્રાણીઓના વિસ્થાપન કે પુનઃ વાસનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

જો રણ સરોવર નિર્માણ થાય તો હાલમાં મીઠું પકવી ગુજરાન ચલાવતા અગરિયાઓનું શુ ? એશિયાના એક માત્ર ઘુડખર અભ્યારણનું શુ થાય ? આ ગંભીર બાબતનો પણ રણ સરોવર યોજનામાં ઉકેલ હોવાનું જણાવી જયસુખભાઈએ જણાવ્યું કે હાલમાં કચ્છના નાના રણમાં ૫૦ થી ૬૦ હજાર જેટલા અગરિયા પરિવાર વસવાટ કરે છે જેઓને ચોમાસામાં અહીં પાણી ભરાવાથી રોજગારી મળતી નથી પરંતુ જો રણ સરોવર નિર્માણ થાય તો કચ્છના રણમાં આજુબાજુની જમીન ખેતી લાયક બનશે અને સિંચાઈ થકી અગરિયાઓ મીઠું પકવવાને બદલે ખેતી તરફ વળી અનાજ પકવતા થશે ઉપરાંત સરોવરને કારણે માછીમારી વ્યવસાયમાં પણ રોજગાર મેળવી હાલ કરતા સારું જીવન જીવી શકશે.

આ ઉપરાંત ઘુડખર પ્રાણીઓના વસવાટ અંગે તેમને જણાવ્યું કે કચ્છના નાના રણમાં આવેલા નાના મોટા ૭૫ જેટલા આઇલેન્ડ ઘુડખરો માટે આશ્રય સ્થાન છે ચોમાસામાં પાણી ભરાઈ જાય ત્યારે ઘુડખર અહીં આઇલેન્ડ પર જ વસવાટ કરે છે અને ઉનાળામાં હજારો કિલોમીટર ભટકી ઘુડખર આસપાસના વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી પાણી અને ચારો મેળવવા આવતા હોય ઘણા કિસ્સામાં ખેડતો દ્વારા હિંસા કરાતી હોવાનો ઘટસ્ફોટ કરી કહ્યું હતું કે રણ સરોવરથી ઘુડખરોને કાયમી આશ્રય સ્થાન અને પાણી ઘાસચારો વિપુલ માત્રામાં મળતા ઊલટું ઘુડખરો માટે સાનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ હોવાનું ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં નર્મદા કેનાલ કચ્છના નાના રણમાંથી પસાર થતી હોય આ વિસ્તારના ખેડૂતો નર્મદા કેનાલનું પાણી મેળવવા કેનાલમાં ભંગાણ કરતા હોવાનું જણાવી એમણે ઉમેર્યું હતું કે જો રણ સરોવર પ્રોજેકટ સાકાર થાય તો માત્ર કચ્છ જ નહીં બલ્કે રણ ફરતે આવેલા નવ જિલ્લાના ખેડૂતોને સિંચાઇની મોટી સુવિધા મળશે અને ભવિષ્યમાં નર્મદા કેનાલને નુકશાન થતું પણ અટકશે.

ઓવર ઓલ રણ સરોવર થકી ગુજરાત, સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ, માછીમારી ઉદ્યોગનો વિકાસ, વેરાન બંજર જમીનમાં ફળદ્રુપ ખેતી, સોલાર એનર્જી, વિન્ડ પાવર પ્રોજેકટ, ધુડખરોને કાયમી આશ્રય, અગરિયાઓને ઉન્નત જીવન, સમુદ્રની ખરાશનું નિયંત્રણ, વિશાળ માત્રામાં દરિયામાં વહી જતું મીઠું પાણી ખેતી અને પીવા માટે ઉપયોગ, સી પ્લેન પ્રોજેકટ, ટુરિઝમ સહિતની વિકાસની તકો અને એ પણ ટૂંક ગાળામાં મામુલી ખર્ચમાં ઉપલબ્ધ બની શકે તેમ હોવાનું ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આવા રણ સરોવરના પ્રોજેકટ વિદેશમાં નેધરલેન્ડ, સાઉથ કોરિયામાં સફળતા પૂર્વક બન્યા છે અને લોકોની સુખકારીમાં વધારો થયો છે ત્યારે ગુજરાતમાં તો કુદરતી રીતે કચ્છના નાના રણમાં આ પ્રોજેકટ શક્ય છે એ આ માટે જયસુખભાઈ પટેલે રણ સરોવર નામનું પુસ્તક પણ લખ્યું છે જેમાં અથ થી ઇતિ સુધી આ પ્રોજેકટની ટેક્નિકલ માહિતી ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે.

 

” રણ સરોવર ” અંગે અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ સાથે #morbiupdate ની ખાસ વાતચીતનો વિડીયો જુઓ 

 

અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલની ગુજરાતની શકલ બદલી નાખતી પરિકલ્પના ” રણ સરોવર ” અંગેની રસપ્રદ વિગતો દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ

કુદરતી રીતે કચ્છના નાના રણમાં મીઠા પાણીના સરોવરનો પ્રોજેકટ શક્ય છે ! આ માટે જયસુખભાઈ પટેલે રણ સરોવર નામનું પુસ્તક પણ લખ્યું છે જેમાં અથ થી ઇતિ સુધી આ પ્રોજેકટની ટેક્નિકલ માહિતી ફાયદાઓ વર્ણવવામાં આવ્યા છે. આ પુસ્તક વાંચવા નીચે આપેલી લિંક પાર ક્લિક કરો… 

RANN-SAROVAR-PDF

 

- text