ટંકારાના હડમતીયા ગામે કબજા ફેરનું જમીન કૌભાંડ : જોજનો દૂર જમીન હાઇવે ટચ ગણાવી

- text


હડમતીયાના સરપંચ સહિતના ખેડૂતો દ્વારા કલેકટરને ફરિયાદ : રાજકોટના કુચિયાદળના પ્રકરણની જેમ કડક પગલાં ભરવા માંગ

મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં જમીન કૌભાંડકારો દ્વારા સાથણીમાં આપાયેલ જમીનનો કબજો ફેર કરી હાઇવે રોડ ટચની લગડી જેવી જમીન હડપ કરવા બોગસ દસ્તાવેજો બનાવી નાખતા આ જગ્યા પર વાડા ધરાવતા ખેડૂતોએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી જમીન કૌભાંડ કરનાર શખ્સો વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા પાલનપીર ગામે વર્ષો પૂર્વે સરકાર દ્વારા લક્ષમણ તેજા ચાવડાને નજીકના કોઠારીયા ગામના સીમાંડે આવેલ સરકારી ખરાબાની જમીન સાથણીમાં ફાળવવામાં આવી હતી હાલમાં તેઓ ત્યાં ખેતી પણ કરતા હોવ છતાં કેટલાક જમીન કૌભાંડિયા તત્વો દ્વારા આ જમીનના બોગસ દસ્તાવેજ બનાવી સરકારી રેકર્ડ સાથે છેડ છાડ કરી જમીન માપણીની ખોટી માપણી સીટના આધારે આ જમીન હડમતીયા હાઇવે ટચની બતાવી કિંમતી જમીન પચાવી પાડવા પેરવી કરી રહ્યા છે.

- text

જમીન કૌભાંડિયા તત્વો દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા આદરેલા પ્રયાસને કારણે હડમતીયા ગામના આગેવાન અજીતસિંહ ઉદેસિંહ ડોડીયા અને ગામના અન્ય આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે જમીન કૌભાંડિયા તત્વો એ તલાટી, જમીન દફતર કચેરીના અધિકારીઓ અને ટંકારા મામલતદાર કચેરીના લાચિયા, ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી કબજા ફેરનો ખેલ પાડવા તત્પર બન્યા છે હકીકતમાં કૌભાંડિયા તત્વો જ્યાં જમીન હડપ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યાં સરકાર દ્વારા ૫૦ વર્ષ પહેલાં ખેડૂતો ને માલઢોર, ખેતી ઓજાર રાખવા વાડાની જમીન આપી છે જે સરકારી રેકર્ડ ઉપર મોજુદ છે.

આ સંજોગોમાં હડમતીયા ગામમાં રાજકોટના કુચિયાદળ ગામ જેવું જ કબજા ફેરનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેથી રાજકોટ કલેકટરની જેમ જ મોરબી જિલ્લા કલેકટર જમીન કૌભાંડિયા તત્વો સામે કડક પગલાં ભરી દાખલો બેસાડે અને તલાટી કમ મંત્રીથી લઈ આ જમીન કૌભાંડમાં સંડોવાયેલ ડીઆઈએલઆર, મામલતદાર કચેરીના અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી પગલાં ભરે અને ખેડૂતોના હક્કની વાડાની જમીન બચાવે તેવી માંગણી ઉઠાવી હતી.

તસ્વીર : રમેશ ઠાકોર

 

 

- text