મતગણતરી : દર ત્રીસ સેકન્ડે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોના આંકડા અપડેટ કરશે તંત્ર

- text


મત ગણતરી સ્થળે ચૂંટણીપંચ ના ઓબ્ઝરવર અને માઈક્રો ઓબ્ઝરવરની બાજ નજર

મોરબી : સોમવારે હાથ ધરવામાં આવનાર મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોની મતગણતરી અંગે આજે જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે દર ત્રીસ સેકન્ડે મતગણત્રીના આંકડા તંત્ર દ્વારા અપડેટ કરવામાં આવશે.

મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઈ.કે.પટેલ, અધિક કલેકટર કેતન જોશી, એસપી જયપાલસિંહ રાઠોડ
સહિતના અધિકારીઓ જણાવ્યું હતું કે ત્રણેય બેઠકોની મતગણતરી ૬૫ રાઉન્ડમાં થશે,૧૮ મીએ સવારથી મહેન્દ્રનગર પોલીટેક્નિક ખાતે મતગણના પ્રારંભ થશે અને કુલ ૩૦૦ કર્મચારીઓ દ્વારા મતગણતરી કરવામાં આવશે.

મોરબી જિલ્લાની મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠકની મતગણતરી આગામી ૧૮ મીએ સવારે ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને સંભવતઃ બપોરે ૨ વાગ્યા સુધીમાં ત્રણેય બેઠકોના પરિણામ કુલ ૬૫ રાઉન્ડની મતગણતરીના અંતે પૂર્ણ થશે.વધુમાં મોરબી જિલ્લાની તમામ ત્રણેય બેઠકોની મતગણતરી મહેન્દ્રનગર સરકારી પોલીટેકનીક બિલ્ડિંગમાં રાખવામાં આવી છે જેમાં એ વિંગમાં મોરબી અને ટંકારા બેઠક તથા બી વિંગમાં વાંકાનેર બેઠકની મતગણતરી કરવામાં આવશે.

- text

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક વિસ્તારમાં કુલ ૮૮૦ મતદાન મથકો આવેલ છે જેમાં મોરબી બેઠકના ૨૮૨ બુથ માટે ૨૧ રાઉન્ડ, ટંકારા બેઠકના ૨૮૯ મતદાન મથકો માટે ૨૧ રાઉન્ડ અને વાંકાનેરના ૩૦૯ બુથ માટે ૨૩ રાઉન્ડ મળી કુલ ૬૫ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે, દરેક વિધાનસભા બેઠક માટે ૧૦૦-૧૦૦ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે અને તેમને તાલીમ આપવાનું પણ શરૂ થઈ ગયું છે.

વધુમાં મતગણતરી દરમિયાન પોસ્ટલ બેલેટની મતગણના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ત્રણેય વિધાનસભા બેઠકમાંથી એક એક વિવિપેટ ની ડ્રો કરી સ્લીપની ગણતરી કરવામાં આવશે.

આમ, મોરબી જિલ્લામાં કોણ-જીતશે કોણ હારશે તે નક્કી કરવા મતગણત્રીના આયોજનને આખરી ઓપ અપાઈ ગયો છે અને ૧૮ મીએ બપોર સુધીમાં લોકોની આતુરતાનો અંત આવી જશે.

- text