મોરબીમાં તાત્કાલિક કપાસ ખરીદી સેન્ટર ચાલુ કરો : મગનભાઈ વડાવીયા

- text


સરકાર જાહેરાત મુજબ રૂપિયા ૧૦૦ ના બોનસ સાથે ટેકાના ભાવની ખરીદી ચાલુ કરે તેવી માંગ

મોરબી : મગફળીના તળિયે બેસી ગયેલા ભાવની જેમ જ ખેડૂતોને કપાસમાં પણ પૂરતા ભાવ મળતા ન હોય મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રીને રજુઆત મરી તાકીદે મોરબીમાં કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા સેન્ટર ખોલવા માંગ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ખેડૂતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાલમાં અતિશેય તડકા અને ધૂમ્મસને કારણે ખેડૂતોને કપાસના પાકમાં જોઈએ તેટલો ઉતારો મળે એમ નથી વળી હાલમાં ખેડૂતોને સારામાં સારા કપાસના ભાવ પ્રતિમણ માત્ર ૯૦૦ રૂપિયા જ મળતાં હોય ખેડૂતોને આર્થિક નુકશાન થઈ રહયુ છે.
આ સંજોગોમાં સરકાર દ્વારા થયેલી જાહેરાત મુજબ તાત્કાલિક અસરથી રૂપિયા ૧૦૦ના બોનસ તેમજ રૂપિયા ૮૬૫ ટેકાના ભાવ મળી કુલ ૯૬૫ના ભાવે કપાસ ખરીદવાનું શરૂ કરી મોરબીને સેન્ટર ફાળવવા માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે હાલ મોરબી જિલ્લામાં કપાસની ચિક્કાર આવક ચાલુ છે ત્યારે ખેડૂતોને ખરા સમયે જ ઉપયોગી થઈ સરકાર સત્વરે ખરીદી શરૂ કરે તો ખેડૂતોને આર્થિક રીતે છેતરતા બચાવી શકાય તેમ છે. જેથી સરકાર તાત્કાલિક અસરથી ટેકાના ભાવે બોનસ સાથે મોરબીમાં કપાસ ખરીદીનું સેન્ટર ચાલુ કરે તેવી માંગણી સહકારી અગ્રણી એવા મગનભાઈ વડાવીયા દ્વારા ઉઠાવવામાં આવી છે.

- text

- text