સંકલ્પયાત્રામાં ૭ લાખ લોકો જોડાયા,આનાથી મોટું શક્તિ પ્રદર્શન કેવું હોય : હાર્દિક પટેલ

- text


રાજ્ય સરકાર નર્મદાના નામે માત્ર તાયફા કરે છે : નર્મદાની હજારો કિલોમીટર લાઇનના કામ હજુ બાકી

મોરબી : આજે અચાનક જ મોરબીની મુલાકાતે આવેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે નર્મદાના નામે રાજ્ય સરકાર પ્રજાના પૈસે માત્ર તાયફા કરી રહી હોવાનું જણાવી પોતાની સંકલ્પ યાત્રામાં ૭ લાખ લોકો જોડાયા હોવાનું જણાવી આનાથી વધારે શક્તિ પ્રદર્શન કેવું હોય શકે ? તેમ જણાવ્યું હતું.

- text

હળવદથી શરૂ થયેલ હાર્દિક પટેલની સોમનાથ સંકલ્પ યાત્રામાં મોરબી આવતા સમયે અકસ્માત સર્જાતા ૬ યુવાનો ઘાયલ થયા હતા. જે પૈકી ધ્રાંગધ્રાનો યુવાન હજુ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હોય આજે હાર્દિક પટેલ મોરબી દોડી આવી હોસ્પિટલમાં દાખલ પિન્ટુ હરિભાઈ માલવાણીયાના ખબર અંતર પૂછ્યા હતા આ ઉપરાંત અન્ય ઇજાગ્રસ્તો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
આ તકે હાર્દિક પટેલે પત્રકારો સાથે ગોષ્ઠિ કરી જણાવ્યું હતું કે તેની સોમનાથ સંકલ્પ યાત્રાને જબરો પ્રતિસાદ સાંપડ્યો છે. આ યાત્રા દરમિયાન સાત લાખ લોકો સાથે સીધો જ સંપર્ક થયો હોવાનું જણાવી ભાજપ સરકારને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હોવાનુ, આનાથી મોટું શક્તિ પ્રદર્શન શુ હોય તેવી માર્મિક ટકોરમાં જણાવ્યું હતું.
દરમિયાન હાર્દિક પટેલે હાલમાં ગુજરાત સરકાર દ્વારા નર્મદા મહોત્સવના નામે તાયફા કરી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામાં આવતો હોવાનું જણાવી કહ્યું હતું કે હજુ હજારો કિલોમીટરની લાઈન નાખવાના કામ બાકી છે અને આ યોજના માં સમાવાયેલ રાજકોટ અને મોરબી જેવા શહેરોમાં પાણીની વિકરાળ સમસ્યા મો ફાડીને ઉભી છે ત્યારે પ્રજાના પૈસે આવા નાટક ન થવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા કઈક નવા જૂની કરવાના મૂડમાં છે ત્યારે પાસ શંકરસિંહ સાથે જશે કે કેમ તેવા પ્રશ્ન નો જવાબમાં હાર્દિક પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે અમારી તાકાત અમારી સંકલ્પયાત્રામાં જોવા મળી છે સાત લાખ લોકોએ અમને સપોર્ટ કર્યો છે જે અમારા માટે કાફી છે.

- text