પુત્રો તવંગર છતાં પિતા ૯૫ વર્ષે પણ આપ કમાઈથી ખુમારી પૂર્વક વિતાવે છે જીવન

- text


જીંદાદીલી, સ્વમાનથી જીવન જીવવું એજ જીવનનો સાચો મર્મ : ચારેય પુત્રો કર્તવ્ય નિષ્ઠ છતાં વૃદ્ધ દંપતીએ ક્યારેય એક રૂપિયા માટે પણ હાથ લાંબો કર્યો નથી, જીવનપર્યત જાતે કમાઈને ખાવુંએ તેમનો જીવનમંત્ર

મોરબી : જીંદાદીલી અને સ્વમાનથી જીવન જીવવું એજ જીવનનો સાચો મર્મ છે. પરંતુ વૃદ્ધાવસ્થા આવે ત્યારે સંતાનોના સહારાની જરૂર અવશ્ય પડે છે. જ્યારે મોરબીના એક વૃદ્ધ જુદી માટીના બનેલા છે. તેઓ નખશીલ સ્વમાની હોવાથી પારકા તો ઠીક પણ પોતાના પુત્રોનો સહારો લેવો એ એમને જરાય પસંદ નથી. જોકે પુત્રો કર્તવ્યનિષ્ઠ છે. પરંતુ પિતા એટલા સ્વાભિમાની છે કે, ૯૫ વર્ષે પણ પુત્રોથી સ્વેચ્છાએ જુદા રહીને આપ કમાઈથી ખુમારી પૂર્વક જીવન વિતાવે છે.
મોરબીમાં કાલિકા પ્લોટ શેરી નં. ૪ માં રહેતા મુસાભાઈ ઓસમાણભાઈ દલવાણી (ઉ.૯૫)એ ભણેલા સૌથી ઓછું છે. પરંતુ જીવનના ગણિતનું તેમને પૂરેપૂરું જ્ઞાન છે.જ્યારથી તેઓ સમજતા થયા ત્યારથી જીવનભર ખુમારીથી જીવન જીવવું એજ એમનો જીવન મંત્ર બની ગયો હતો.નાનપણમાં કઠોર મહેનત કરીને પોતાની સૂઝબુઝથી ટ્રાન્સપોર્ટનો ધંધો વિકસાવ્યો હતો. તેમના પાંચ પુત્રો અને બે પુત્રી છે. સાતેય સંતાનોને જીવનના ઘડતરનું પાયાનું જ્ઞાન આપીને ઉચ્ચ શિક્ષણ આપવીને સમાજમાં મોભાદાર સ્થાન અપાવ્યું છે. તેમના એક પુત્રનું અવસાન થયું છે. બાકીના પુત્રોને તેમણે પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો કારોબાર સોપી દીધો છે. હોનારતની ઘટના સુધી તેઓ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમનો આખો પરિવાર ખાધેપીધે સુખી સંપન્ન છે. અને પુત્રો પણ કર્તવ્યનિષ્ઠ છે માં-બાપ પાણી માંગે તપ દૂધ હજાર કરે છે તેવા શ્રવણ જેવા છે. ટ્રાન્સપોર્ટનો ધંધો છોડી દીધા બાદ પુત્રો સાથે આરામની નિવૃત જીંદગી જીવવાના બદલે તેમણે પોતાના સ્વમાનથી જીવવાના મૂળ મંત્રને વળગી રહ્યા હતા અને હાલ પુત્રોથી અલગ પોતાના જ ઘરમાં પત્ની સાથે અલગ રહે છે. હજી પણ આ વૃદ્ધ દંપતી કડે ધડે છે જાતે કમાઈને જીવન નિર્વાહ કરે છે. જોકે માતાપિતા સાથે જ રહે એ માટે પુત્રોએ ઘણી આજીજી કરી હતી. પરંતુ વૃદ્ધ પિતા પોતાના કર્મ સિદ્ધાતને અનુસર્યા હતા અને ૯૫ વર્ષે પણ જાતે જ નાનકડી દુકાન ચલાવીને પોતાનું તથા પોતાની વૃદ્ધ પત્નીનું ભારણ પોષણ કરે છે. અત્યાર સુધી કોઈની પાસે તો ઠીક પણ પુત્રો પાસેથી પણ તેમણે એક રૂપિયો લીધો નથી. ઉલટાનું તેમણે ઘણું આપ્યું છે. મુસાભાઈ દલવાની ૯૫ વર્ષની ઉમરે સાયકલ કે અન્ય નાનું વાહન ચલાવીને દુકાનનો માલ સામાન લેવા બજારમાં જાય છે. તેમના પત્ની ખતુબેન પણ ૮૭ વર્ષના છે તો પણ તે જાતે રસોઈ કામ કરીને પતિ સાથે સન્માનપૂર્વક જીવન વિતાવે છે.
જોકે બને વચ્ચે અદભુત મનમેળ છે, ક્યારેય પણ નાનો કલેશ થયો નથી.જોકે ઘણા માવતરો તેમના સંતાનો યોગ્ય રીતે સાચવતા ન હોવાની ફરિયાદો કરે છે.ત્યારે આ વૃદ્ધ દંપતી તેમના માટે પ્રેરણા સ્ત્રોત છે. મુસાભાઈ દલવાણી કહે છેકે, મેં અલ્લાહ પાસે છેલ્લા શ્વાસ સુધી સન્માન પૂર્વક જીવન જીવવાની દુઆઓ માંગી છે.મારી આ જીવનશૈલીથી પુત્રોને પણ મારા પ્રત્યે ગૌરવની લાગણી થાય છે.

- text

- text