મોરબી : રઘુવીર સાર્વજનિક ટ્રસ્ટને નાગરિક બેંકે ભેટમાં આપેલી ગાડી બાબતે વિવાદ

- text


ભાજપ સંચાલિત નાગરિક બેંકની બેધારી નીતિથી લોહાણા સમાજમાં રોષ ભભૂકાયો

મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે શ્રી રઘુવીર સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સમગ્ર સમાજને વર્ષોથી આપવામાં આવે છે. ત્યારે ભાજપ અને ભાજપ સંચાલિત મોરબી નાગરિક બેંકની નીતિથી મંદિર તેમજ લોહાણા સમાજના આગેવાનોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે. ૬ વર્ષ પહેલા રાજકોટના મેયર તરીકે ચૂંટાયેલા શ્રી જનકભાઈ કોટકનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો ત્યારે મોરબી નાગરિક બેંકના ચેરમેને શ્રી જલારામ મંદિરને ગાડી ભેટમાં આપવાની વાત કરી હતી પરંતુ ભાજપના આગેવાનોએ દુષ્પ્રચાર કરી ગાડી ભેટમાં આપી નહીં. આથી જલારામ મંદિરના બે આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ નગરપાલિકાની ચૂંટણી લડી કાઉન્સિલરનું પદ મેળવ્યું હતું. ત્યારે ભાજપના આગેવાનો અને ધારાસભ્યોએ લોહાણા સમાજના આ અગ્રણીઓને ઘરવાપસી માટે સમજાવ્યા હતા અને નાગરિક બેંક દ્વારા ગાડી ભેટ આપવામાં આવી હતી. પરંતુ ફરીથી અચાનક મોરબી નાગરિક બેંક દ્વારા આપવામાં આવેલ ગાડી અંગે જલારામ મંદિરના અગ્રણીઓને કહેવામાં આવ્યું કે R.B.I.ના નિયમ મુજબ બેન્ક ગાડી આપી ન શકી તેથી જલારામ મંદિરના અગ્રણીઓએ લેખિતમાં ગાડી પરત કરવાની ખાતરી આપી હતી અને તા.૨૭ જૂનના રોજ ગાડી પરત કરવામાં આવશે. આમ જલારામ મંદિરના કાર્યકરોએ ખાનદાની, વચનબધ્ધતા અને માણસાઈનો પરિચય આપ્યો છે. આમ લીધેલી ભેટ પરત આપવાની પ્રથા મોરબીમાં પડશે. ભાજપ સંચાલિત બેંકના આવા વલણથી માત્ર જલારામ મંદિરના કાર્યકરો જ નહીં પરંતુ સમગ્ર સમાજ કે જેઓએ મંદિરની કોઈપણ સ્વરૂપની સેવા ગ્રહણ કરેલ છે તેઓમાં પણ રોષ ભભૂકી રહ્યો છે. બોલેલા વચન નહીં પાડવા તેમજ થૂંકેલું ચાટવાની આ નીતિથી આગામી સમયમાં રોષ તીવ્ર બને તો નવાઈ નહીં. તેમજ ભાજપના વરિષ્ઠ તેમજ પીઢ નેતાઓએ આ બાબત અંગે ગંભીર વિચાર કરવા જલારામ સેવા મંડળે જણાવ્યુ છે.

- text

- text