ખેલ મહાકુંભની સ્કેટિંગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી જિલ્લા પ્રથમ

મોરબી : ગઈકાલે તારીખ – 17 સપ્ટેમ્બરને મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળાના 200થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી પટેલ યશ હિતેષભાઈએ ઇનલાઈન સ્કેટિંગ 500 મીટર અને 1000 મીટર બંનેમાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી ઉમા વિદ્યા સંકુલ અને તેમના માતાપિતાનું ગૌરવ વધારેલ હતું. આગામી દિવસોમાં તેઓ રાજ્ય કક્ષાએ સ્કેટિંગ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ જ્વલંત સફળતા બદલ પટેલ યશને તથા તેના માર્ગદર્શક શિક્ષક તરુણભાઈ પટેલને ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અધારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.