ગુજરાતમાં 5 કરોડ લોકો આ ચૂંટણીમાં કરશે મતાધિકારનો ઉપયોગ

- text


Gandhinagar: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે 15 માર્ચ 2024 સુધીમાં અરજી કરનાર તમામ નાગરિકોને EPIC કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.

જો EPIC કાર્ડ ન હોય તો e-EPIC ની પ્રિન્ટને પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. બુથ લેવલ ઓફિસર દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 27 એપ્રિલના રોજ અમદાવાદ ખાતે બીજો સ્ટેટ લેવલ પોસ્ટલ બેલેટ એક્સચેન્જ ફેર યોજાશે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં 27 એપ્રિલ સુધીમાં EVMનું બીજું રેન્ડમાઇઝેશન, જ્યારે 5 મે 2024 ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પાત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી-2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષે કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે. તા.22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરિફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. સુરત લોકસભા બેઠક પર માત્ર ભાજપના 1 ઉમેદવાર વધતાં તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

મતદાર યાદી

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન તા.07 મે, 2024 ના રોજ યોજાનાર છે. જેમાં રાજ્યના 4,97,68,677 મતદારો મતદાન કરી શકશે. આખરી મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની ધરાવતા 12,20,438 મતદારો પ્રથમ વખત મતદાન કરી શકશે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 અંતર્ગત તા.05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયેલા હતા. ત્યાર બાદ તા.09 એપ્રિલ, 2024 સુધી મતદાર તરીકે નોંધણી માટે મળેલી અરજીઓ પૈકી 3,19,209 મતદારોનો પુરવણી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં 2,56,16,540 પુરૂષ, 2,41,50,603 સ્ત્રી અને ત્રીજી જાતિના 1,534 મળી કુલ 4,97,68,677 મતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં યુવાઓ મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લેશે. આ વર્ષે ગુજરાતમાં 18થી 29 વય જૂથનાં કુલ 1,16,06,188 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ મતદારોની કુલ સંખ્યા 4,19,584 છે. રાજ્યમાં 10,036 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેનાથી વધુ વયના છે. 3,75,673 મતદારોને દિવ્યાંગ મતદાર તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં મતદાતાની સંખ્યાના આધારે સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે; જેમાં 22,23,550 મતદારો છે, જ્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે.

રાજ્યમાં કુલ 27,555 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સાથે જ વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે.

મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) તથા મતદાર કાપલીનું વિતરણ
તા. 7 મે, 2024 ના રોજ યોજાનાર મતદાન માટે ગત તા.15 માર્ચ, 2024 સુધી અરજી કરનાર નાગરિકોને મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ અરજી કરનાર નાગરિકોને EPIC કાર્ડ ઝડપથી પહોંચાડી દેવામાં આવશે. જો કે EPIC કાર્ડ ન મળ્યું હોય પણ મતદાર નોંધણીની અરજી સાથે મોબાઈલ નંબર આપેલ હોય તો e-EPIC ડાઉનલોડ કરી શકાય છે અને e-EPICની પ્રિન્ટને ઓળખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે.

મતદારોને મતદાર યાદીમાં પોતાનો ક્રમ, મતદાન મથક, મતદાનની તારીખ અને સમય સહિતની વિગતો મળી રહે તે માટે ચૂંટણી પંચના આમંત્રણ સ્વરૂપે બુથ લેવલ ઑફિસર દ્વારા મતદાર માહિતી કાપલી (Voter Information Slip) લોકોના ઘેર પહોંચાડવામાં આવી રહી છે. મતદાર માહિતી કાપલીની સાથે કુટુંબદીઠ એક વોટર ગાઈડનું વિતરણ કરવામાં આવશે. વધુમાં પ્રજ્ઞાપક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં મતદાર કાપલી તેમજ વોટર ગાઈડનું પણ વિતરણ કરવામાં આવશે. આ કામગીરી તા. 02 મે, 2024 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

ઉમેદવારી પત્રો

લોકસભા સામાન્ય ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. તા.20 એપ્રિલના રોજ ચકાસણી દરમ્યાન કુલ નામાંકનપત્રો પૈકી કુલ 105 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પરત ખેંચવાની આખરી તા. 22 એપ્રિલ સુધીમાં કુલ 62 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે લોકસભા સામાન્ય ચૂંટણી, 2024 માં હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 266 થઈ છે. જે પૈકી 247 પુરુષ ઉમેદવારો, 19 સ્ત્રી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉક્ત પૈકી 24-સુરત લોકસભા મતવિભાગના ઉમેદવાર બિન હરીફ જાહેર થયા છે.

જ્યારે પાંચ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ-2024 માટે કુલ 37 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા હતાં. જે પૈકી ચકાસણી દરમિયાન કુલ 10 નામાંકનપત્રો રદ્દ કરવામાં આવ્યા હતા. તેમજ 3 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી હતી. આમ, હવે વિધાનસભા પેટા ચૂંટણી માટે હરીફ ઉમેદવારની કુલ સંખ્યા 24 થઈ છે.

EVM
રાજ્યના તમામ લોકસભા મતવિભાગમાં અને 5 વિધાનસભા મતવિભાગમાં પેટા ચૂંટણીઓ સંદર્ભે હરીફ ઉમેદવારો/તેઓના પ્રતિનિધિઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તા.27 એપ્રિલ સુધીમાં EVMના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

- text

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) દ્વારા EVMના કમિશનિંગ (મતદાન માટે EVMને તૈયાર કરવા) ની પ્રક્રિયા માટે એન્જિનિયર્સની ફાળવણી કરી દેવામાં આવી છે. જે અનુસાર તા.25/04/2024 થી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તા.27/04/2024 થી લોકસભા સામાન્ય ચૂંટણી માટે EVMના કમિશનિંગની કામગીરી હરીફ ઉમેદવારો/તેઓના પ્રતિનિધિઓની હાજરીમાં શરૂ કરવામાં આવશે.

કુલ 25 સંસદીય મતવિભાગો(PC)માં કુલ 49,140 મતદાન મથકો ખાતે મતદાન થનાર છે. આ પૈકી 7-અમદાવાદ પૂર્વ સંસદીય મતવિભાગ(PC)ના 1,820 મતદાન મથકોમાં 2 BUનો વપરાશ થશે. આમ કુલ 50,960-BU, 49,140-CU અને 49,140-VVPATનો ઉપયોગ થશે. તે ઉપરાંત પાંચ વિધાનસભા મતવિભાગો(AC)ની પેટા ચૂંટણીઓમાં 1,282 મતદાન મથકોમાં મતદાન થશે, જેમાં કુલ 1,282- BU, 1,282-CU અને 1,282-VVPATનો ઉપયોગ થનાર છે.

Absentee Voters
તા.11/04/2024 સુધીમાં Absentee Voters Categoryમાં 85 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા 18,490 વરિષ્ઠ મતદારો તેમજ 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 4,211 દિવ્યાંગ મતદારો મળી કુલ 22,701 મતદારોએ હોમ વોટીંગ માટે અરજી કરી છે. મતપત્રો તૈયાર થતાંની સાથે આવતીકાલથી હોમ વોટીંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આવશ્યક સેવાઓમાં રોકાયેલા 5,518 મળી Absentee votersના કુલ 28,219 ફોર્મ-12D મળ્યા છે.

મતદાન જાગૃતિ
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ વર્ગના મતદારોની સહભાગિતા વધે અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત First Time Voters માટે કોલેજમાં મતદાન જાગૃતિના કેમ્પ તથા કેમ્પસ ઍમ્બેસેડર્સની નિમણૂંક, મહિલા મતદાન જાગૃતિ માટે આંગણવાડી ખાતે બેઠક, ઇન્ડસ્ટ્રીઝમાં વોટર અવેરનેસ ફોરમ દ્વારા મતદાર જાગૃતિ અને સવેતન રજા અંગેની બેઠક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ મતદાન જાગૃતિ માટે MoU તથા સોશિયલ મીડિયા દ્વારા મતદાન જાગૃતિ માટે ઇન્ફ્લુઅન્સર્સ તેમજ આઈકન્સ સાથે સહભાગિતા, સોસાયટી મિટિંગ્સ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

વધુમાં, સમગ્ર રાજયમાં યુવા મતદારો, મહિલા મતદારો, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે તા.22/04/24 થી તા.06/05/2024 દરમિયાનના 15 દિવસો માટે સમગ્ર રાજ્યમાં મતદાન જાગૃતિના ખાસ પ્રયત્નો હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા જિલ્લાકક્ષાએથી જ્યાં મોટી સંખ્યામાં નાગરિકો એકત્ર થતા હોય તેવા મોલ્સ, ફુડ-કોર્ટ અને બગીચાઓ જેવા સ્થળો ઉપર મતદાન જાગૃતિ માટે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તા.05/05/2024 ના રોજ મતદાન જાગૃતિના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ‘Run for Vote’ નું પણ આયોજન થવા જઇ રહ્યું છે.

આ પખવાડિક મતદાન જાગૃતિ અભિયાનમાં ચૂંટણી તંત્ર દ્વારા કેટલાક મુખ્ય સંદેશાઓ પર ખાસ ભાર મુકી મતદારોને જાગૃત કરવામાં આવશે.

1. જો મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તો EPIC કાર્ડ અથવા e-EPIC ની પ્રિન્ટ દ્વારા મતદાન કરી શકાશે. જો તે પણ પ્રાપ્ય ન હોય તો અન્ય વૈકલ્પિક 12 પૈકીના કોઈ પણ પુરાવાથી મતદાન કરી શકાશે,
2. મતદાનનો સમય, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.
3. મતદાનના દિવસે, મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરીયાદ કરી શકાય છે.
4. મતદાન મથકે મોબાઈલ લઈ જઈ શકાશે નહીં,
5. Voter Information Slip કે જે BLO દ્વારા આપવામાં આવે છે તે માત્ર જાણકારી માટે છે. તે મતદાન માટેનો માન્ય પુરાવો નથી.
6. મતદાનના દિવસે હિટ વેવથી બચવા માટે કાળજી રાખવા સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવશે.

Know Your Polling Station અભિયાન
મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે, મતદાન માટેના આવશ્યક દસ્તાવેજો વિષે જાણ ન હોવાના કારણે અથવા તો એક કરતા વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર ક્યાં મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તે અંગે મતદારો મુંઝવણ અનુભવતા હોય છે. આથી તા.28 એપ્રિલ, 2024 ના રોજ સમગ્ર રાજ્યમાં Know Your Polling Station અભિયાનનું આયોજન કરવામાં આવશે. જેમાં બૂથ લેવલ ઓફિસર સવારે 9 થી 12:30 સુધી મતદાર યાદી સાથે મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને મતદાન મથકે પ્રાપ્ય સુવિધા અને વ્યવસ્થા વિષે માહિતગાર કરશે. આ અભિયાનની સાથોસાથ ચુનાવ પાઠશાલાનું પણ આયોજન કરવામાં આવશે; જેમાં તમામ ગ્રાસ રૂટ લેવલના કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને સહપરિવાર મતદાન માટે આમંત્રણ આપશે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 7.89 કરોડ રોકડ, રૂ. 14.69 કરોડની કિંમતનો 5.04 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 36.63 કરોડની કિંમતનું 69.80 કિલો સોનું અને ચાંદી, રૂ. 3.57 કરોડની કિંમતના 777.41 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 58.85 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 121.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

ફરિયાદ નિવારણ
c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.21/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 2,838 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા.21/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 8,142, મતદાર યાદી સંબંધી 760, મતદાર કાપલી સંબંધી 200 તથા અન્ય 1,900 મળી કુલ 11,002 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી તા.21/04/2024 સુધીમાં કુલ 198 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં મીડિયા મારફતે 18 તથા ટપાલ અને ઈ-મેઇલ દ્વારા રાજકીય પક્ષો મારફતે 39, ભારતના ચૂંટણી પંચ મારફતે 45 તથા અન્ય 406 મળી કુલ 508 ફરિયાદો મળી છે.

- text