ખર્ચ અને બિનજરૂરી પ્રથાને તિલાંજલી આપવા પાટીદારોની પહેલી: ‘ઉમા આદર્શ લગ્ન’ 

- text


Morbi: શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી સમાજે એક નવી પહેલ કરી છે.

આ ટ્રસ્ટ દ્વારા મોરબી-રાજકોટ હાઈવે પર લજાઈ પાસે આવેલા ઉમા સંસ્કાર ધામમાં (સમાજવાડી) એકી સાથે મોટા બે પ્રસંગ થઈ શકે તેવા બે લગ્ન હોલ તેમજ 24 રૂમનું ઉમા અતિથિગૃહ, ઉમા રંગભવન, ઉમિયા માતાજીનું મંદિર તથા ઉમા આદર્શ લગ્ન હોલનુ લજાઈ ખાતે નિર્માણ કરીને મોરબીનાં સમાજની વર્ષો જૂની જરૂરીયાત પૂર્ણ કરવા માટેનું સ્વપ્ન પૂરુ કર્યું છે.

સંસ્થાનાં ટ્રસ્ટ્રીઓએ જણાવ્યું કે, આજના સમયને અનુસરતા આ એક લગ્નની આદર્શ વ્યવસ્થા છે. સમયની બચત, ખર્ચમાં કરકસર, પ્રતિષ્ઠાની જાળવણી. અતિશયોકિતને લગામ, બિનજરૂરી પ્રથાને તિલાંજલી, પ્રસંગોમાં માણસોની સંખ્યામાં મર્યાદા વગેરે માટે સમાજનું પ્રેરણાત્મક પગલુ એ જ હેતુ છે. સમાજનાં નાના-મોટા દરેક વ્યકિત માટે 365 દિવસ તેમજ દરરોજ બે લગ્નની વ્યવસ્થા સાથેનો વિશિષ્ટ અને સમગ્ર દેશમાં સૈાપ્રથમ આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓના સહયોગ થકી સંસ્થા તરફથી નિઃશુલ્ક લગ્ન કરી આપવાની આ વ્યવસ્થા કરેલી છે.

આ ટ્રસ્ટની સ્થાપના 1977 માં કરવામાં આવી. આ સંસ્થાના સ્થાપક અને આર્યપુરુષો સ્વ.જયરાજભાઈ એ.પટેલ, સ્વ. ઓ.આર.પટેલ, સ્વ. ડો.આંબાલાલ પટેલ, સ્વ. કાનજીબાપા હોથી, સ્વ. એ.એમ.પટેલ તથા સમાજના અન્ય શ્રેષ્ઠિઓનાં સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવી જેના સ્વરૂપે આજે શિક્ષિત અને સંસ્કારી સમાજનો વિકાસ થયો છે.

આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે – સાથે આરોગ્ય માટે ઉમા મેડીકલ, ઉમા લેબોરેટરી, ઉમા કલીનીક (રાહતદરે)ની સ્થાપના કરતા સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી. સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ સાથે સરકારના વિવિધ ખાતાઓમાં જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉચ્ચ હોદાની નોકરી પ્રાપ્ત કરી શકે એ હેતુસર “પાટીદાર કરીઅર એકેડેમી” (નિઃશુલ્ક)ની રચના કરવામાં આવી. ત્યારે, હવે ફરીએકવાર આ મંડળના ઉમદા વિચારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.

‘ઉમા આદર્શ લગ્ન-પ્રેરણાત્મ પગલુ’

“સંસ્થાનો હેતુ સમયની બચત, પ્રતિભા સંપન્ન પરિવાર, પ્રતિષ્ઠાની જાળવણી, અતિશયોક્તિને લગામ,બિનજરૂરી પથાને અટકાવીએ. પસંગમાં માણસોની સંખ્યાની મર્યાદા વગેરે માટે સમાજનું પ્રેરણાત્મ પગલુ.”

ઉમા આદર્શ લગ્ન શા માટે ?

હાલમાં સમાજમાં લગ્ન પ્રસંગોમાં પ્રિવેડીંગ, હલ્દી-રસમ, વિવિધ ઇવેન્ટસ, દાંડીયા રાસ, બોલીવુડ નાઇટ, વરરાજાની એન્ટ્રી, પાર્ટી પ્લોટો રાખીને જે સામાજિક રીતે દેખા-દેખીમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવનો પ્રયાસ છે.

(1) આપણા સમાજની લગ્ન બાબતે માનસિકતા બદલવાનો પ્રયાસ છે.

(2) લગ્ન પ્રસંગે કરવામાં આવતા ખર્ચમાં કરકસર કરીને સમાજને આર્થિક સુદઢ બનાવવા માટે.

(3) મૌ ઉમાનાં સાનિધ્યમાં જ અદભુત લગ્નનો લ્હાવો માણવા માટે.

- text

‘આ રીતે ઉમા આદર્શ લગ્ન યોજાશે’

(1) ઉમા સંસ્કારધામ ખાતે કાયમી ઉમા આદર્શ લગ્ન હોલમાં દરરોજનાં સવારનાં એક અને બપોરનાં એક એમ દરરોજ બે લગ્નનું આયોજન કરવામાં આવશે.

(2) લગ્ન વિધિ શાસ્ત્રોકત વિધિ મુજબ બ્રાહમણ દ્વારા સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે.

(3) કન્યા પક્ષનાં 101 અને વરરાજા પક્ષનાં 101 સુધીના વ્યકિતઓની ચા-પાણી નાસ્તાની તથા જમણવારની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે.

(4) લગ્ન નોંધણી ઓછામાં ઓછા છ દિવસ પહેલા નિયત ફોર્મ તથા ફી જમા કરાવવાની રહેશે.

(5) લગ્ન નોંઘણી ફી, લગ્નહોલ, લાઈટ, સફાઈ વગેરે માટે વરપક્ષ તથા કન્યાપક્ષ બંનેએ રૂ.5,100 + રૂ.5,100 ભરવાના રહેશે.

(6) લગ્નપ્રસંગ માટેની કાર્ડ/કંકોત્રી સંસ્થા તરફથી ડીજીટલ ફોર્મેટમાં બનાવી આપવામાં આપશે.

(7) કન્યાને આપવામાં આવતી વસ્તુની ભેટ કીટ સંસ્થા દ્વારા આપવામાં આવશે.

(8) કન્યા પક્ષ કે વરરાજા પક્ષ તરફથી માત્ર નાળીયેર, ચુંદડી, કંસાર, ઈઢોણી, ફુલહાર, લગ્ન પત્રિકા જેવી જ વસ્તુઓ લાવવાની રહેશે.

(9) બન્ને પક્ષનાં લગ્ન માટે 6000 ફુટનો લગ્ન હોલ, 6000 ફુટનો ભોજનાલય હોલ, વર-કન્યા માટેનાં અલગ-અલગ રૂમ તથા મહેમાનો માટે જનરલ રૂમની સુવિધા આપવામાં આવશે.

(10) જાનના સામૈયા માટે ઢોલ શરણાઈની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરી આપવામાં આવશે.

(11) આ લગ્ન યોજનાં કડવા પાટીદાર સમાજ માટે જ રહેશે.

‘ઉમા આદર્શ લગ્નમાં મદદરૂપ થવા બાબતે’

(1) આપના સંતાનોને આદર્શ લગ્નમાં સામેલ થવાની પ્રેરણા આપવા.

(2) આપના ગામ, પરિવાર તથા સોસાયટી તરફથી યોગદાન આપવા પ્રેરણા આપવા.

(3) સમાજની આર્થિક ઉન્નતિ અને દહેજનાં દૂષણને દૂર કરવા પ્રેરણા આપવા.

(4) આપણો અને આપણા સમાજનો જ પૈસો અને સમય છે. તેવી સમજણ એ સંગઠિત ભાવનાનો સિદ્ધાંત છે.

 

* સૌના સમય-સેવાનો સાથ-સહકાર, સૌના આર્થિક સાથ-સહકાર, એ જ માઁ ઉમિયાનાં આશીર્વાદ….

* આપના દ્વારા આપવામાં આવેલ અનુદાન, કાયમી લગ્નોત્સવ ફંડ આપવા માટે એવમ માર્ગદર્શન માટે સાથે-સાથે આદર્શ લગ્ન વ્યવસ્થામાં વધુમાં વધુ કુટુંબો જોડાય તે માટે દરેક ગામ, સોસાયટી, મહોલ્લામાંથી સહયોગ આપી શકે તેવા પ્રતિનિધિઓએ એ.કે પટેલનો (90990 18218) સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આર્થિક અસમાનતાને અવગણી આપણે સૌ જગતજનની જગદંબા માઁ ઉમાના સંતાન છીએ એટલે માઁ ઉમાના આદેશને અપનાવી “ઉમા આદર્શ લગ્ન” માં જોડાઈને સમાજને પરોક્ષ સહયોગ થકી ઉન્નતિના રસ્તે આગળ વધારીને સમયાનુસાર અતિરેક ખર્ચાને અટકાવી. દેખાદેખી કે દેખાડવાની મનોવૃત્તિથી બહાર આવી, વ્યકિતગત માન-પ્રતિષ્ઠાથી વિશેષ. સમાજના “આદર્શ પરિવાર” બનીને આપણા સમાજનાં તમામ લોકોને એક ઉદાહરણ પૂરું પાડવા ઉમા સંસ્કારધામના પ્રમુખ બેચરભાઈ કે. હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ એસ. ફેફર, ચેરમેન એ.કે.પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

- text