મોરબીમાં પરસોત્તમ રૂપાલાની 4 કિમીની ભવ્ય રેલી : 32 જગ્યાએ અભિવાદન

- text


શનાળા ખાતે શક્તિ માતાજીના દર્શન કરી રેલીનો પ્રારંભ કર્યો : કાર ફરતે પોલીસનો મોટો કાફલો સતત ખડેપગે રહ્યો

મોરબી : મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે 4 કિમિ લાંબી રેલી યોજી હતી. જેમાં સઘન સુરક્ષા સાથે 32 સ્થળોએ પરસોત્તમ રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

મોરબીમાં આજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભવ્ય પ્રચાર હાથ ધર્યો છે. જેમાં આજે તેઓએ શનાળા ખાતે શક્તિમાંના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં રૂપાલા આગળ બંધ કારમાં બેઠા હતા. જ્યારે પાછળ ખુલ્લી જીપમાં ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ગોવિંદભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર ઉપર કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલીમાં 32 સ્થળો ઉપર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

- text

પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ દ્વારા હાલ લડત ચલાવવામાં આવી રહી હોય ઉપરાંત આજે સવારે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી લગાવવામાં આવી હોય, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 6 ડીવાયએસપી, 12 પીઆઇ, 30 પીએસઆઇ અને 400 પોલીસ જવાનો આ રેલીમાં ખડેપગે રહ્યા હતા. આ માટે રાજકોટ રૂરલ, સુરેન્દ્રનગર અને જામનગરથી પણ પોલીસ સ્ટાફ બોલવાયો હતો.

- text