હું પૈસા લેતો નથી મારા નામે કઈ વહીવટ કરતો નહિ ! બુટલેગર અને પીએસઆઇ વચ્ચેની વાતચીતે હળવદ પોલીસના “રાઝ” ખોલ્યા

તત્કાલીન હળવદ પીએસઆઇનો ઓડિયો વાયરલ થયા બાદ દેશી બુટલેગરને ઝડપી લેવાયો : ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ

હળવદ : હળવદના સુંદરગઢ ગામના દેશી દારૂના ધંધાર્થી બુટલેગર બુધીયો અને પીએસઆઇ ધાધલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગર હળવદ ડી સ્ટાફને દારૂનો ધંધો ચલાવવા નિયમિત હપ્તો આપતો હોવાનું પીએસઆઇને કહે છે અને પીએસઆઇના નામે એક પોલીસમેનને પણ હપ્તો આપ્યાનું કહે છે. જો કે પીએસઆઇ ધાધલ આ ઓડિયોમાં સ્પષ્ટ પણે કહે છે કે હું પૈસા ક્યારેય લેતો નથી અને મારા નામે કોઈને પણ પૈસા આપવા નહિ… નોંધનીય છે કે, આ ઓડિયો જૂનો હોવાનું કહેવાય છે. પણ અત્યારે વાયરલ થતા હળવદ પોલીસે બુટલેગર રમણિક ઉર્ફે બુધ્ધાને 15 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હોવાનું અને આ ઓડિયો કલીપ મામલે ઉચ્ચ અધિકારીઓએ પણ તપાસમાં ઝુકાવ્યું હોવાનું જાણવા મળે છે.

હાલ ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ મુળુભા ધાધલ હળવદ પોલીસ મથકમાં પીએસઆઇ હતા ત્યારે સુંદરગઢ ગામના રમણિક ઉર્ફે બુધીયા નામના બુટલેગર સાથે ફોન ઉપર કરેલી વાતચીતની ઓડિયો કલીપ છેલ્લા ત્રણ ચાર દિવસથી વાયરલ થઇ છે. આ ઓડિયો કલીપ દોઢેક મહિના પહેલાની હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કારણ કે, પીએસઆઇ ધાધલની હળવદથી એક મહિના પહેલા જ ટંકારા ખાતે બદલી થઈ ગઈ છે. તેઓ હળવદમાં પીએસઆઇ હતા. ત્યારે દેશી દારૂના ધંધાર્થી બુધિયાને ફોન કરીને કહે છે કે, કોણ બુધીયો બોલે છે ? હું પીએસઆઇ ધાધલ બોલું છું. ઓળખશને ? એમ કહે ત્યારે બુટલેગર કહે છે સાહેબ તમને ઓળખું જ છું.

વધુમાં ઓડિયો ક્લિપમાં પીએસઆઇ ધાધલ આગળ કહે છે કે, તું મોટો ધંધાર્થી થઈ ગયો લાગે છે. તો બુધીયો જવાબ આપે છે કે, અત્યારે ક્યાં ધંધો બરાબર ચાલે છે. બે કેરબા લઈ ધંધો કરું છું. પીએસઆઇ પૂછે કે કેટલો સમય તારો ધંધો ચાલ્યો તો બુટલેગર જવાબ આપે છે કે, તમે અડી ગયા પછી એટલે કે, રેડ પાડી પછી ક્યાં ધંધો ચાલે છે. તો પીએસઆઇ કહે છે કે, બે કેરબાથી મોટી ભઠ્ઠી ચાલતી હશે તો તારી ખેર નથી.

જો કે આ ઓડિયો ક્લિપમાં પીએસઆઇ બુટલેગર બુધીયાને પૂછે છે કે, ક્યાં પોલીસને ધંધો ચલાવવા કેટલા પૈસા આપશ, બુટલેગર જવાબ આપે છે કે હળવદના ડી સ્ટાફને 25 હજાર અને જમાદારને 15 હજાર રૂપિયા આપું છું. આટલા રૂપિયા પીઆઇનું પણ આવી ગયું ? એમ પીએસઆઇ પૂછે ત્યારે બુટલેગર કહે છે કે, એ મને ખબર નથી. પણ હું તો આટલા રૂપિયા આપું છે અને તમારા રૂપિયા પોલીસમેન રવિરાજસિંહને બે વખત 15 હજાર મોકલાવ્યા છે… આ વાત સાંભળતા જ પીએસઆઇ ધાધલ ઉશ્કેરાયને અને કહે છે કે હું ક્યારેય હપ્તો કે પૈસા લેતો નથી. મારા નામે પૈસા આપ્યા જ કેમ અને અત્યારે રવિરાજસિંહને ફોન કરીને કહે ધાધલ સાહેબને તમે 15 હજાર રૂપિયા આપ્યા ? અને પછી મને જવાબ આપ એમ કહીને ફોન કાપી નાખે છે.

જો કે આ ઓડિયો ક્લિપમાં પીએસઆઇ કહે છે મારા નામે કોણ પૈસા લઈ જાયછે ? તો બુટલેગર પહેલા પોલીસમેન અરવિંદભાઈનું નામ આપે છે. પણ પીએસઆઇ કહે છે મે તને કોઈ દિવસ કહ્યું કે મને હપ્તો આપ. હું કોઈ દિવસ હપ્તો લેતો નથી અને મારા નામે કોઈને પૈસા આપવા પણ નહીં.

જો કે ઓડિયો કલીપ વાયરલ થયા બાદ દેશી બુટલેગર રમણિક ઉર્ફે બુઘો ઉર્ફે મુનો અવચરભાઈ સિપરા રહે નવા સુંદરગઢ હળવદને બ્રાહ્મણી ડેમ-2 ડેમના પુલ પાસે દારૂનું બાચકું લઈને ઉભો હોય પોલીસને જોઈને ઝડપથી ચાલવા લાગતા પોલીસે તેને અટકાવી બાચકામાંથી કોથળી નંગ 60મા 15 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જો કે, આ ઓડિયો કિલીપથી હળવદ પોલીસ સ્ટાફમાં દેશી દારૂ માટે હપ્તારાજ ચાલતું હોવાનું રાઝ ખુલીને બહાર આવ્યું છે. બીજી તરફ હળવદ પોલીસના કોન્સ્ટેબલથી લઈ ડી સ્ટાફ અને અન્ય કર્મચારીઓનું હપ્તારાજ ખુલ્લું પડતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને બુટલેગર બુધીયાને ઉચ્ચ પોલીસ સમક્ષ હાજર કરવા ફરમાન થયાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.