જીવના જોખમે કેડ સમા પાણીમાં ચાલીને પુત્રને દવાખાને ખસેડતા પિતા 

- text


હળવદના ઇશનપુર ગામ પાસેના વોકળા ઉપર તંત્રએ નાલું ન બનાવતા દર વખતે ચોમાસામાં ગામલોકો જીવના જોખમે વોકળો ઓળંગવા મજબૂર

હળવદ : હળવદ પંથકમાં ગઈકાલે સાંજે વરસાદ પડતા હળવદના ઇસનપુર ગામ પાસેનો વોકળો બે કાંઠે થયો હતો બરાબર આ સમયે જ ઇશનપુર ગામના બાળકને પગમાં કાચ વાગી જતા તાકીદે સારવારની જરૂર પડતા તેના પિતાને બાળકને તેડીને વોકળાના કેડ સમાણાં પાણીમાં જીવન જોખમેં ચાલીને હળવદ ખાતે દવાખાને લઈ ગયા હતા. જો કે હળવદના ઇશનપુર ગામ પાસેના વોકળા ઉપર તંત્રએ નાલું ન બનાવતા દર વખતે ચોમાસામાં ગામલોકો જીવના જોખમે વોકળો ઓળંગવા મજબૂર બન્યા છે.

હળવદ પંથકમાં ગઈકાલે સાંજે એકાદ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. જ્યારે હળવદના વેગડવાવ અને ઇસનપુર સહિતના ગામોમાં વધુ વરસાદ પડ્યો હોવાનું ગામલોકોનું કહેવું છે. જેથી જુના ઇશનપુર અને નવા ઇસનપુર ગામના લોકોનો હળવદ તરફ આવવું હોય તો વચ્ચે વોકળો ફરજિયાત ઓળંગવા પડે છે. પરંતુ ગઈકાલે સાંજે વરસાદને કારણે આ વોકળો બે કાંઠે થયો હતો અને કેડ સમાણા પાણી ભરાયા હતા. આ દરમિયાન હળવદના ઇશનપુર ગામે રહેતા એક પરિવારના બાળકને પગમાં કાચ વાગી જતા સારવારની તાકીદે જરૂર પડી હતી. પણ બાજુના વોકળામાં કેડ સમાણા પાણી ભરાય ગયા હોવાથી જીવનું જોખમ હતું. પણ એની પરવા કર્યા વગર બાપે નાનકડા દીકરાને તેડીને વોકળાના કેડ સમાણાં પાણીમાં ચાલીને પુત્રને હળવદના દવાખાને ખસેડયો હતો. પણ વોકળો બે કાંઠે વહેતો હોય તણાય જવાની પૂરેપૂરી ભીતિ હોવા છતાં પિતાએ જીવના જોખમે ધસમસતો આખો વોકળો પાર કર્યો હતો. આ બહુ જ મુશ્કેલ કામ હતું. પણ બાપની દીકરા પ્રત્યેની લાગણીને કારણે એમને આ કેડ સમાણાં પાણી તેમની હિંમતને ડગમગાવી શક્યા ન હતા અને અંતે પિતાએ પોતાની ફરજ નિભાવી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદના ઇશનપુર ગામે વોકળો દર ચોમાસામાં બે કાંઠે થઈ જાય છે. તબીબી ઇમરજન્સી સારવારની જરૂર પડે તો ગામ લોકોને હળવદ જવા માટે આ વોકળો જીવન જોખમે પાર કરવો જ પડે છે. એના સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે ગામલોકો વર્ષોથી આ વોકળા ઉપર નાલું બનાવવાની સરકાર અને તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે. પણ હજુ સુધી તંત્રએ વોકળા ઉપર નાલું બનાવ્યું નથી. જો નાલું બની જાય તો લોકો સરળતાથી હળવદ જઈ શકે અને દરેક વખતે ચોમાસામાં આ ગામનો સર્પક કપાઈ જાય છે તેમાંથી રાહત મળે પણ તંત્રએ આવી કોઈ કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં બાળક માટે જીવન જોખમમાં મુકનાર પિતાની વેદનાની તંત્ર ઉપર કોઈ અસર પડે છે કે નહીં તે જોવું રહ્યું.

- text