માળીયાના ખીરઈ ગામે ખેડૂતોના ખેતરો પાણીથી લથબથ : પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા રજૂઆત

- text


મોરબી : માળીયા તાલુકાના ખીરઈ (પંચવટી) ગામે ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતોને વળતર ચુકવવા સામાજિક કાર્યકર કાન્તિલાલ બાવરવાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, માળિયા તાલુકાના ખીરઈ (પંચવટી) ગામે સરકાર દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડના કામમાં બેદરકારી દાખવવામાં આવી છે જેના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે વરસાદી પાણી રોડની સાઈડમાં ખેતરોમાં ભરાયેલા રહે છે. પાણીનો નિકાલ ન થતાં ખેતરમાં ઉભો પાક બળી જાય છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

- text

વધુમાં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ગત વર્ષે જે-તે અધિકારીએ રૂબરૂ મુલાકાત પણ લીધી હતી અને ખેડૂતોને હૈયાધારણા આપી હતી પરંતુ આ પ્રશ્નનો કાયમી ઉકેલ થયો નથી. ત્યારે આ બાબતે તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોને વળતર ચુકવવામાં આવે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટના શરણે જવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવાયું છે.

- text