ભણાવનારના માથે ભાર : શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા ભારોભાર રોષ

- text


ભણતર સિવાયની અઢળક પ્રવૃત્તિઓ શિક્ષકોને સોંપાતા અભ્યાસક્રમ ક્યારે પૂરો કરાવવો તે મોટો પ્રશ્ન

મોરબી : રાજ્યમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના માથે સરકાર દ્વારા અનેક કાર્યો થોપી દેવાતા શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હજું તો સત્ર શરૂ થયાને થોડા જ દિવસો થયાં છે ત્યાં જ બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવતા શિક્ષણકાર્ય ક્યારે પૂરું કરવું તે પ્રશ્ન શિક્ષકોને સતાવી રહ્યો છે. અન્ય કામગીરીઓના ભારણ નીચે દબાયેલા શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને પણ ચિંતિત છે.

મોરબી સહિત રાજ્યભરના સરકારી શાળાના શિક્ષકોને અભ્યાસ ઉપરાંતની અઢળક કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. ત્યાં વધુ એક બીએલઓની કામગીરી આવી પડતાં શિક્ષકો મુંઝાયા છે. ચૂંટણી પંચ દ્વારા 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2023 સુધી એક મહિના સુધી શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવી છે. જેમાં ડોર ટુ ડોર ફરીને એપ્લિકેશન દ્વારા દરેક કુટુંબના ડેટા ભરવા, તમામનું વેરિફિકેશન કરવું જેવી જટિલ કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી માટે શિક્ષકોને પોતાના મોબાઈલનો ડેટા વાપરવો પડતો હોય આર્થિક બોજ પણ પડી રહ્યો છે. આ કામગીરી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે થતી હોય શિક્ષકો પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય અને અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે. શિક્ષકોમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે, જો સરકાર દ્વારા આવી કામગીરીઓ સોંપવામાં આવશે તો રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ કથળશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ તેની માઠી અસર પડશે. હાલ તો શિક્ષકો સરકારની કામગીરીનું દબાણ અને પોતાની સાચી ફરજ વચ્ચે પિસાઈ રહ્યા છે.

- text

- text