મોરબી જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો

- text


ધો. 12 સાયન્સમાં નિર્મલ સ્કૂલના બે વિધાર્થીઓ અને નવયુગ સ્કૂલના એક વિદ્યાર્થીએ મેદાન માર્યું

ત્રણેય વિદ્યાર્થીઓ કહે છે કે, પાઠ્ય પુસ્તક આધારિત અભ્યાસ કર્યો, લક્ષ્યથી ક્યારેય ભટક્યા નહી એટલે આજે અર્જુનની જેમ ધાર્યું નિશાન પાર પાડ્યું

મોરબી : મોરબી જિલ્લા માટે આજે અત્યંત ગૌરવની ક્ષણ આવી છે. મોરબી શિક્ષણ ક્ષેત્રે હબ હોવાનું છેક રાજ્યકક્ષાએ પુરવાર થયું છે. સૌથી અઘરી ગણાતી ધો. 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં મેટ્રો સિટીઓ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતને પાછળ છોડીને મોરબી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે સાથે જ મોરબી જિલ્લાના ત્રણ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે. જેમાં બે વિદ્યાર્થીઓ નિર્મલ સ્કૂલ અને એક વિદ્યાર્થી નવયુગ સ્કૂલનો છે. આ ત્રણેય વિધાર્થીઓ સામાન્ય પરિવારના છે. તેમજ આ ત્રણેય વિદ્યાર્થીઓ કહે છે કે, લક્ષ્યથી ક્યારેય ભટક્યા નથી. એટલે આજે અર્જુનની જેમ ધાર્યું નિશાન પાર પાડ્યું છે.

નિર્મલ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો

નિર્મલ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ધો.12 સાયબ્સની પરીક્ષામાં એવન ગ્રેડ મેળવ્યો છે. જેમાં નિર્મલ સ્કૂલમાં ભણતા દેસાઈ જય અજિતભાઈ મોરબીના આંદરણા ગામે રહે છે અને તેના પિતા ખેતીકામ કરે છે. સામાન્ય પરિવાર હોવા છતાં તેના પિતાએ પુત્રને ભણાવવા માટે કોઈ કસર છોડી ન હતી અને પુત્રને અવરજવરમાં તકલીફ ન પડે અને અભ્યાસમાં ખલેલ ન પહોંચે એટલે તેમણે મોરબીની રવાપર ચોકડી પાસે જ ભાંડે ઘર લઈ આપ્યું હતું. આથી પુત્ર પણ સ્કૂલ ઘરની નજીક હોય ટાઈમ બચતો હોય ભણવવામાં ખૂબ જ ધ્યાન આપતો હતો. દેસાઈ જય અજિતભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 650માંથી 591 માર્ક્સ, 90.92 ટકા અને 99.99 પીઆર તેમજ ગુજકેટમાં 120માંથી 113.75 માર્ક્સ સહિત કુલ 99.89 પીઆર સાથે ઉચ્ચતમ પરિણામ મેળવ્યું છે. તેના પિતા. ધો.10 અને માતા ધો.12 સુધી ભણેલા અને આ પુત્ર એકનો એક દીકરો છે. જય મોડી રાત સુધી અભ્યાસ કરતો ત્યારે તેની સાથે મમ્મી અને દાદા પણ જાગતા હતા. જ્યારે તેને નિટમાં સારા ગુણ આવે તો એમબીબીએસ થવાની ઈચ્છા છે. જયને સ્કૂલમાં શિક્ષકો સહિતનો સારો સહયોગ મળતો હતો. જયે 12માની શરૂઆતમાં મહેનત કરીને છેલ્લી ઘડી સુધી કઠોર પરિશ્રમ કરતા આ ધારી સફળતા મળી છે.

પાઠ્ય પુસ્તક આધારિત અભ્યાસ કરીને ધારી સફળતા મેળવી

- text

નિર્મલ સ્કૂલમાં ભણતી બીજી વિદ્યાર્થીની દેત્રોજા એશા અરવિંદભાઈએ પણ ધો.12 સાયન્સ પરીક્ષામાં 650માંથી 551 માર્ક્સ સાથે 90.92 ટકા અને 99.98 પીઆર અને ગુજકેટમાં 117.5 માર્ક્સ સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેણીને બે બહેન અને એક ભાઈ છે. દરરોજ શાળા સિવાય ઘરે પાંચ કલાક સુધી ગહન અભ્યાસ કરતી અને પાઠ્ય પુસ્તક આધારિત અભ્યાસ કરીને આ ધારી સફળતા મેળવી છે. હવે નિટની પરીક્ષામાં સારા ગુણ આવે તો તેણીને ડોકટર બનાવની ઈચ્છા છે. તેણીના પિતા એક ફેકટરીમાં સુપરવાઇઝર હોવાથી આ પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે. આમ છતાં પણ 7 ધોરણ સુધી ભણેલા પિતાએ સારી સ્કૂલમાં અભ્યાસ કરાવવા તનતોડ મહેનત કરી હતી અને પુત્રીએ પણ કઠોર મહેનત કરીને પિતાનું નામ ઉજળું કર્યું છે. તેણીનો પરિવાર સામાન્ય હોય નાના ઘરમાં સંયુક્ત પરિવાર રહેતો હોવા છતાં અલગ રૂમ ન મળતા રાત્રે બધા સુઈ જાય ત્યારે મહેનત કરતી હતી જે ખરા અર્થમાં કામ કરી ગઈ છે.

નવયુગ વિદ્યાલયના એક વિદ્યાર્થીએ પણ એવન ગ્રેડ મેળવ્યો

મોરબીની નવયુગ વિદ્યાલયએ આ વખતે પણ ધો.12 સાયન્સની પરીક્ષામાં મેદાન માર્યું છે. શહેરની નામાંકિત ગણાતી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને રાજનગર પંચાસર રોડ ઉપર રહેતો સામાન્ય પરિવારના અઘેરા હિત અલ્પેશભાઈએ ધો.12 સાયન્સની પરીક્ષામાં 650માંથી 597 માર્ક્સ સાથે 91.84 ટકા અને 99.98 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેને સૌથી વધુ બાયોલોજીમાં 96 માર્ક્સ આવ્યા છે. જ્યારે ગુજકેટમાં 115 માર્ક્સ આવ્યા છે. તેના પિતા સીરામીક કારખાનામાં નોકરી કરે છે. મોટાભાગે હિત ઘરે જ પરીક્ષાની તૈયારી કરતો અને દરરોજ આઠ કલાકથી વધુ અભ્યાસ કરતો આ ઉપરાંત યોગોમાં જિલ્લામાં ત્રણ વખત નંબર મેળવ્યો છે. તેમજ એનસીસીમાં બે મેડલ મેળવ્યા છે. એટલે અભ્યાસની સાથે બીજી પ્રવૃતિઓમાં પણ તે ઝળકયો છે. તે કહે છે કે, યોગા કરવાથી યાદશક્તિ વધુ સારી રહે છે. તે સામાન્ય પરિવાર હોય ઘર પણ નાનું હોય તેમજ સંયુક્ત પરિવાર હોવાથી વાંચવા માટે અલગ રૂમ ન હોવા છતાં તેણે સખત મહેનત કરીને ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. હવે તેને નિટની એક્ઝામ આપી એમબીબીએસ થવાની ઈચ્છા છે.

- text