મોરબી નજીક પેપરમિલની ભીષણ આગ 24 કલાક બાદ કાબુમાં

- text


ભયાનક આગમાં 800થી વધુ પેપરની ગાંસડીઓ બળીને ખાખ

મોરબી : મોરબીના નવાગામ રોડ ઉપર આવેલી સોમનાથ પેપરમિલમાં ગઈકાલે બપોરે ચાર વાગ્યે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગે પળવારમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વેસ્ટ પેપરનો મોટો જથ્થો ભડભડ સળગી ઉઠ્યો હતો. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ ટીમ દોડી ગઈ હતી. પરંતુ આગ વધુ ભયાનક હોવાથી રાજકોટ ફાયર બ્રિગ્રેડની મદદ લેવાય હતી. મોરબી અને રાજકોટની ફાયરની ટીમે રાતભર અને આજે દિવસે પણ આગ બુઝાવવા તનતોડ મહેનત કરતા 24 કલાક બાદ આ આગ કાબુમાં આવી હતી.

મોરબી ફાયર સ્ટેશનના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પેપરમિલમાં લાગેલી આગને બુઝાવવા મોરબીની ફાયરની બે ટીમ અને રાજકોટની ફાયરની ત્રણ ટીમ કામે લાગી હતી. આગ એટલી ભયાનક હોવાથી ઉપર વેસ્ટ પેપરની ગાંસડીઓ જથ્થો સળગતો હોય ઉપર પાણી છાંટયા બાદ નીચેથી સળગતું હોવાથી આગને કાબુમાં લેતા 24 કલાક જેવો સમય લાગ્યો હતો. વેસ્ટ પેપરની ગાંસડીઓ ઉપરથી બુઝાવી નાખી હોય પણ નીચેથી સળગતું રહેતા આગ વધુ વેગ પકડતી હોવાથી જેસીબી અને લોડરથી બહાર વેસ્ટ પેપરની ગાંસડીઓ બહાર કાઢીને ઠારી હતી. આગમાં 800થી વધુ પેપરની ગાંસડીઓ બળીને રાખ થઈ ગઈ હતી અને લાખોનું નુકસાન થયાનો અંદાજ છે.

ફરી એક વખત મોરબી ફાયર બ્રિગ્રેડનો પન્નો ટૂંકો પડ્યો

મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગમાં નવા સ્ટાફની નિમણૂક કરી હતી. પણ સાધન સામગ્રી એની એજ રખાય છે એક નાનું અને એક મોટું ફાયર ફાયટર એમ જ વર્ષો જુના સાધનો એ ના એજ રખાયા છે. જેથી પેપરમિલની આ મોટી આગ વખતે મોરબી ફાયર બ્રિગ્રેડનો પન્નો ટૂંકો પડ્યો હતો અને રાજકોટથી ફાયર બ્રિગ્રેડની મદદ લેવી પડી હતી. રાજકોટની આ ટીમ આવે તે પહેલાં આગ વધુ પ્રસરી ચુકી હતી. એટલે મોટું નુકસાન થયું હતું.

- text

મોટા શહેરી જેવી મોરબીની ફાયરની સુવિધા આપવાની રજુઆતને અન્યાય

મોરબી સીરામીક એસોસિએશનની ચારેય પાંખના પ્રમુખો મુકેશ કુંડારિયા, હરેશભાઇ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટભાઈ પટેલે ધારાસભ્ય, સાંસદ અને સીએમ સુધી મોરબીની મોટા શહેરો જેવી ફાયરની સુવિધા આપવા અનેક વખત રજુઆત કરી હતી.પણ પરિણામ શૂન્ય રહ્યું છે. મોરબીમાં સીરામીક પેપર મિલ સહિતના એનેક ઉધોગો હોવાથી છાસવારે અકસ્માતે આગ લાગતી હોય વધુ જાનમાલના નુકશાનને અટકાવી શકાય તે માટે મોરબીના સામાંકાંઠે ફાયર સ્ટેશન બનાવાવા તેમજ ફાયરની અદ્યતન સુવિધાઓ આપવાની માંગ ઉધોગકારો અનેક વખત કરી છે. હજુ આ રજુઆતને ડૂચો વાળી દેવાયો હોય એમ આ દિશામાં જરાય કાર્યવાહી કરાઈ નથી.

દુર્ઘટના પછી સરકાર જાગે એના બદલે પાણી પહેલા પાળ બાંધે એ જરૂરી

પેપરમિલમાં મોટી આગમાં મોરબીનું ફાયર બ્રિગ્રેડ ટૂંકું પડતા ઉધોગજગતમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. આ આગની ઘટનાને લઈને ઉધોગકારોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે ભવિષ્યમાં આનાથી પણ મોટી આગથી જાનમાલને નુકસાન થયા પછી જ સરકાર જાગશે ? આપણે ઘણી વખત જોયું છે કે કોઈ મોટી દુર્ઘટના પછી સરકાર હરફતમાં આવે છે અને નીતિ વિષયક નિર્ણયો અમલમાં મૂકે છે એના બદલે પાણી પહેલા પાળ બધી લે તો ઉધોગકારો મોટા નુકશાનથી બચી શકે.

- text