રાહુલ ગાંધીનું લોકસભામાં સભ્યપદ રદ કરવાના વિરોધમાં મોરબી કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન

- text


પોલીસે ધરણા પ્રદર્શન કરતા ચાર કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી

મોરબી : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું લોકસભામા સભ્ય પદ રદ કરવાના વિરોધમાં મોરબીમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં શાંતિથી બેનેરો દર્શાવીને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ સરકારની તાનશાહી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એ દરમિયાન પોલીસે ધરણા પ્રદર્શન કરતા ચાર કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે નવા બસ સ્ટેન્ડ નજીક સરદાર પટેલની પ્રતિમા સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીનું લોકસભામાં સભ્ય પદ રદ કરવાના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, કે.ડી. પડસુબિયા, મુકેશ ગામી, મહેશ રાજ્યગુરુ, કે.ડી. બાવરવા સહિતના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ લોકતંત્રનું જતન કરો, તાનાશાહી ભગાવો, બંધારણ મુજબ શાસન ચલાવો, દેશ બચાવો,રાહુલ ગાંધી સચ્ચે હૈ સહિતના બેનેરો સાથે મુક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે આ ઘરણા પ્રદર્શનને લઈને પોલીસે સ્થળ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને પોલીસે ધરણા પ્રદર્શન કરતા ચાર કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી.

કોંગ્રેસના અગ્રણીઓએ ભાજપ સરકાર પર નિશાન તાકીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીને સજા થયા બાદ તાત્કાલિક અસરથી તેમનું લોકસભામાં સભ્ય પદ રદ કરવામાં આવ્યું તે એકદમ સરકારની તાનશાહી છે અને બિન લોકશાહી ઢબે જ શાસન ચાલી રહ્યું હોય પ્રજાના પ્રશ્નો ઉઠાવતા વિરોધ પક્ષ ઉપર દબાણ લાવવા આ રીતે સરકાર વિરોધ પક્ષનો આવજ કચડી રહી છે તે કોઈ કાળે યોગ્ય નથી. જો કાયદો કાયદાનું કામ કરતો હોય તો ભાજપના ઘણા નેતા દોષી છે. એમની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી માત્ર વિરોધ પક્ષ હોવાના નાતે કોંગ્રેસ ઉપર જ કાર્યવાહી થઈ રહી હોય તે યોગ્ય નથી. સરકારની આ લોકશાહીને ખતમ કરવાની તાનાશાહીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

- text

- text