સગીરાને ગર્ભવતી બનાવી દેનાર નરાધમ કૌટુંબિક કાકાને 20 વર્ષની સખત કેદ

- text


વાંકાનેરમાં વર્ષ 2021ના ફિટકારજનક અધમ કૃત્યના બનાવમાં મોરબી સ્પે. પોકસો કોર્ટનો આકરો ચુકાદો 

મોરબી : વાંકાનેરમાં વર્ષ 2021માં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરા ઉપર તેમની સાથે જ રહેતા કૌટુંબિક કાકાએ નજર બગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવીને કુંવારી માતા બનાવી દીધાના જઘન્ય બનાવમાં મોરબીની સ્પે પોકસો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટાકરી છે.

આ કેસની વિગત એવી છે કે, વાંકાનેરમાં ઘોડાના તબેલામાં રહીને ઘોડા સહિતના પ્રાણીઓની દેખભાળ કરતા શ્રમિક પરિવારના મોભી ગત તા.26,6, 2021ના રોજ ગાય દોહી રહ્યા હતા.ત્યારે તેમની 15 વર્ષની સગીરવયની પુત્રીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા આ શ્રમિક અને તેની પત્ની પોતાની પુત્રીને સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારે ડોક્ટરે નિદાન કરીને તમારી પુત્રી ગર્ભવતી અને તેના પેટમાં બાળક હોવાનું કહેતા શ્રમિક દંપતીના હોશકોશ ઉડી ગયા હતા અને ડોક્ટરની સલાહ મુજબ ડિલેવરી કરાવતા તેમની પુત્રીએ એક બાળકીને જન્મ આપ્યો હતો.

પોતાની નાની અને કુમળી વયે કુંવારી માતા બન્યા બાદ જાત તપાસ અને સગીરાના જણાવ્યા મુજબ આ અધમ કૃત્ય બીજા કોઈએ નહિ પણ શ્રમિકની સાથે ઘોડાના તબેલામાં મજૂરી કામ સગીરાના પિતાના સગા માસિયાઈ ભાઈ અને સગીરાના કાકા એવા કિરણ ફુલજીભાઈ આડે આચર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.

- text

જે તે સમયે પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ શ્રમિકનો માસિયાઈ ભાઈ સગીરાને સબંધમાં કાકો થતો હોવા છતાં આ કાકા ભત્રીજીના સબંધને લજવી વાસનામાં અંધ બનીને ન કરવાનું હેવાનીયતભર્યું કૃત્ય આચરી બેઠો હતો. આ કૌટુંબિક કાકાએ પુત્રી જેવડી કુમળી વયની ભત્રીજી ઉપર કૃદ્રષ્ટિ કરીને બળજબરીથી સતત એક વર્ષ સુધી અવાર નવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેતા આ નરાધમની વાસનાનો શિકાર બનેલી સગીરા કુંવારી માતા બની હતી. આ બનાવની સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે સમયે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ સજ્જડ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું.

દરમિયાન આ કેસ મોરબીની નામદાર સ્પે. પોકસો કોર્ટમાં કેસ ચાલી જતા જજ ડી.પી.મહીડાએ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને સજ્જડ પુરાવાના આધારે ટૂંકાગાળામાં આ કેસનો ચુકાદો આપી નરાધમ કાકાને 20 વર્ષની સખત કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ ભોગ બનનારને રૂ.4,12,500 નું કંપેનસેશન ચૂકવવાનો હુકમ કર્યો છે.

- text