હવે તો ગમબુટ જ લેવા પડશે !! ટંકારાની મેઈન બજારમાં ગટરના પાણીથી લોકો ત્રસ્ત

- text


 

ખુદ સરપંચની સોસાયટીના વિસ્તારમાં પણ ઉભરાતી ગટરનો પ્રશ્ન વિકટ બન્યો : અનેક રજૂઆતો પણ પરિણામ શૂન્ય

ટંકારા : ટંકારાની મેઈન બજારમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન વિકટ બન્યો છે. ગટરના ગંદા પાણીથી રહિશો, દુકાનદારો અને દવાખાને આવતા દર્દી તેમજ તેમના સંબંધીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અહીં રોડની સ્થિતિ એવી થઈ છે કે કડીયા જે ગમબુટ પહેરે છે તેના વગર ચાલી શકાય તેમ નથી.

ટંકારાના સોસાયટી વિસ્તારની મેઇન બજારમાં જ્યા હોસ્પિટલ, દુકાનો અને આવન જાવન માટેનો રસ્તો છે. જયાથી હજારો માણસોની અવર જવર છે અને ખુદ સરપંચનો રહેણાંક વિસ્તાર છે ત્યાં ઘણા સમયથી ગટર ઉભરાય છે છતાં પણ તંત્રને નેતાને કે આગેવાનોને આ ધ્યાનમાં આવતું નથી. સોસાયટીના માણસોએ પંચાયત ઓફિસે ઘણી વાર લેખિત રજૂઆત કરેલ પણ કોઈ કામ કરવા તૈયાર નથી. તેવો ત્રાસી ગયેલા દુકાનદારોએ બળાપો કાઢ્યો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં પણ પાણીની લાઇન તૂટવાથી પોલાણ થઈ ગયુ હતું અને અનાજ ભરેલ ટ્રક દેરાસર સામે ફસાઈ ગયો હતો. આ ઘટના બનવા છતાં પણ પંચાયતના સત્તાધીશોનુ પેટનું પાણી હલતું નથી. ઉપરાંત વારેઘડીએ પાણીની પાઈપલાઈન રીપેર કરવામાં સિમેન્ટ રોડનું કચ્ચરધાણ કાઢી ઉટની પિઠ માફક રસ્તો કરી દીધો છે.

ટંકારાને નગરપાલિકા જાહેર કરો : વિદ્યાર્થી એકતા સંગઠન

ટંકારા તાલુકા મથકનુ સેન્ટર છે અને વર્ષોથી નગરપાલિકા માટે કરગરે છે અને પરિણામે શહેરનો વિકાસ રૂંધાઈ ગયો છે. પ્રાથમિક સવલતોના અભાવે લોકો રીતસરના હિજરત કરી અન્ય શહેરમા રહેવા માટે જઈ રહ્યાં છે ત્યારે તાકીદે ટંકારાને નગરપાલિકા જાહેર કરવા વિદ્યાર્થી એકતા સંગઠને માંગ કરી છે.

- text