મોરબીના રાજપર રોડ ઉપર ગુપ્ત ભોંયરામાંથી રૂ.4.69 લાખનો મોંઘોદાટ દારૂ ઝડપાયો

- text


નામચીન શખ્સે પોલીસની નજરથી બચવા રૂમમાં ગુપ્ત ભોંયરૂ બનાવ્યું, ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર નામચીન શખ્સ દ્વારા રૂમમાં ગુપ્ત ભોંયરૂ બનાવી આ ભોંયરામા બ્રાન્ડેડ લક્ઝુરિયસ દારૂ અને બિયરનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચે દરોડો પાડી રૂ.4.69,700નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને એ.ડી.જાડેજાની ટીમ કાર્યરત હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિરવભાઈ મકવાણા, એએસઆઈ રામભાઈ મંઢ, કોન્સ્ટેબલ ભગિરથસિંહ ઝાલા તેમજ ભરતસિંહ ડાભીને સંયુક્ત બાતમી મળી હતી કે, રાજપર રોડ ઉપર મારુતિ સુઝુકીના વર્કશોપ પાછળ, સાઈ લાઈટ સામે નામચીન આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે.શનાળા વાળાએ પોતાના રૂમમાં ગુપ્ત ભોંયરૂ બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે.

- text

જે બાતમીને આધારે મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડતા આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળા રૂમના ગુપ્ત ભોંયરામાંથી જે એન્ડ બી બ્લેન્ડેડ સ્કોચની 118 બોટલ કિંમત રૂપિયા 2.36 લાખ, બેલેન્ટાઇન સ્કોચની 48 બોટલ કિંમત રૂ.96 હજાર, જોની વોકર બ્લેન્ડેડ સ્કોચની 48 બોટલ કિંમત રૂ.96 હજાર, જેમ્સન આઇરિસ વ્હીસ્કીની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 24 હજાર, બ્લેન્ડર્સ પ્રાઇડ બોટલ નંગ 18, કિંમત રૂ.15,300 તેમજ બડવાઇઝર બિયર ટીન 24 કિંમત રૂપિયા 2400નો જથ્થો મળી આવતા પોલીસે કુલ મળી રૂ.4,69,700નો જથ્થો કબ્જે કર્યો હતો.

જો કે, દરોડા દરમિયાન આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા હાજર નહિ મળી આવતા મોરબી એલસીબી ટીમે આરોપીને ફરાર દર્શાવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text