જયસુખ પટેલની જામીન અરજી અંગે 7મીએ ફેંસલો

- text


મોરબી કોર્ટમાં બન્ને પક્ષે લંબાણપૂર્વકની દલીલો થઈ : પીડિતોના વકીલોએ જામીન અરજી સામે વાંધો લીધો

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આજે મૃતક પરિવારો અને ઇજાગ્રસ્ત પીડિતોને સહાય ચૂકવવા માટે જામીન મુક્ત થવા અરજી કરનાર જયસુખ પટેલની જામીન અરજી અંગે આજે બન્ને પક્ષે લંબાણપૂર્વકની દલીલો બાદ નામદાર મોરબી કોર્ટે આગામી 7મી માર્ચે ફેંસલો કરવાનું મુકરર કર્યું હતું.

ગત 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થવાના કેસમાં હાલમાં ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરપેટના એમડી જયસુખ પટેલ સહિતના 10 આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. દરમિયાન નામદાર હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પીટીશન મામલે મૃતક પરિવારોને 10 – 10 લાખ અને ઇજાગ્રસ્તોને 2 – 2 લાખ ચૂકવવા આદેશ કરતા જેલવાસ ભોગવી રહેલા જયસુખ પટેલે વળતરની રકમ ચૂકવવા માટે જામીન મુક્ત થવા મોરબી કોર્ટમાં જામીન અરજી કરી હતી.

- text

આજે જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર અને બચાવપક્ષની લંબાણ પૂર્વકની દલીલો થઈ હતી જેમાં બચાવપક્ષે 15 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવવા અજંતા ઓરેવાના એમડી એવા જયસુખ પટેલને જેલ બહાર નીકળવું જરૂરી હોવાનું જણાવતા સરકારી વકીલ એસ.કે.વોરાએ જયસુખ પટેલ ફરાર હતા ત્યારે પણ કંપની ચાલતી હતી અને અન્ય ડાયરેકટર પણ કંપની ચલાવી રહ્યા હોય જામીન ન આપવા દલીલ કરી હતી. નોંધનીય છે કે ઝૂલતા પુલ દુર્ઘટના કેસના પીડિતો વતી એડવોકેટ જાડેજા અને દિલીપ અગેચણિયાએ પણ આરોપીને જામીન મુક્ત ન કરવા વાંધાઓ રજૂ કર્યા હતા. આ જામીન અરજી મામલે નામદાર મોરબી કોર્ટે આગામી તા.7ના રોજ ફેંસલો સંભળાવવા નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

- text