વિસરાતી જતી જૂની શેરી રમતોનો ખેલ મહાકુંભ યોજાયો

- text


માળીયાના તાલુકાના સરવડની ઉચ્ચતર માધ્યમિક શાળામાં અનોખું આયોજન

મોરબી: માળીયા તાલુકાના સરવડ ગામની કે. પી. હોથી ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા વિસરાતી જતી શેરી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ રમે સૌ જીતેની થીમ્સ પર વિવિધ રમતો રમાડવામાં આવી હતી.

આજના ટેક્નોલોજી અને મોબાઈલના સમયમાં બાળકો અને મોટેરાઓ સહિત સૌને શેરી રમત રમવાનું વિસરાઈ ગયું છે. ત્યારે બાળકોમાં સમૂહ ભાવના, ખેલદિલી , ચંપળતા, એકાગ્રતા , શારીરિક અને માનસિક કૌશલ્યના વિકાસના હેતુસર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરંગ નેચરલ કલબ ,રાજકોટ તેમજ કે.પી. હોથી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય સરવડ દ્વારા સવાર થી બપોર સુધી ધોરણ 9થી 12 ના 165થી વધુ બાળકોને સરવડ હાઈસ્કૂલના મેદાનમાં એક સાથે વિવિધ 15 પ્રકારની જૂની દેશી રમતો રમાડવામાં આવી હતી.

રાજકોટ નવરંગ નેચર કલબના પ્રમુખ વી .ડી. બાલાના માર્ગદર્શન હેઠળ વિવિધ રમતો જેવી કે પૈડા દોડ, ત્રીપગી દોડ, ડબલા ડૂલ, રસા ખેંચ, દેડકા દોડ, લીંબુ ચમચી, કોથળા દોડ, સાંઢીયા દોડ, રોપ વે, નારગોલ, ફુગા ફોડ, પૈડા ખેંચ , સંગીત ખુરશી વગેરે જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી .આ રમત કોઈપણ પ્રકારના હાર જીત કે હરીફાઈ વગર સૌ રમે સૌ જીતે ના થીમ્સ પર રમાડવામાં આવી હતી. બાળકો મોબાઈલના વળગાણથી દૂર રહે અને શારીરિક ક્ષમતા વિકસિત થવાની સાથે સંઘ ભાવના વિકસે તેવા શુભ હેતુથી આ આયોજન કરાયું હતું. રમતોત્સવ બાદ તમામ બાળકોને સરવડ હાઈસ્કૂલના ટ્રસ્ટી પ્રાગજીભાઈ કાનજીભાઈ હોથીનાં આર્થિક સહયોગથી ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ રમતોત્સવમાં સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી,સરવડ ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ મણીભાઈ સરડવા,નિવૃત આચાર્ય નાનજીભાઈ સિણોજીયા,નિવૃત શિક્ષક અંબારામભાઇ સરડવા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રમતોત્સવમાં પ્રારંભિક ઉદબોધન શાળાના ઈન્ચાર્જ આચાર્ય ચંદ્રેશભાઇ અગ્રાવતે કર્યુ હતું તેમજ કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ કુંભરવાડીયાએ કર્યું હતું. આ રમતોત્સવને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text