મારે પણ એકડા ઘુંટવા છે, ડમ્પર શાળામાં ઘુસી ગયું

- text


વાંકાનેર તાલુકાના સરતાનપર ગામનો બનાવ, સદભાગ્યે કોઈ જાનહાની નહિ

વાંકાનેર : મોરબી જિલ્લામાં યમદૂત બનીને પુરપાટ ઝડપે દોડતા ડમ્પર ચાલકો માઝા મૂકી રહયા છે ત્યારે નાના – મોટા વાહનોને જેમ ખુટીયો ઢીકે ચડાવે તેમ ઉલાળી ફેકતા ડમ્પર ચાલકે આજે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની દીવાલને નિશાન બનાવી કચ્ચરઘાણ કાઢી નાખી શાળામા એકડા ઘૂંટવાની ઈચ્છા વ્યક્ત કરતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વાંકાનેર તાલુકાની સરતાનપર મુખ્ય રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળામાં અચાનક જ યમદૂત સમાન નંબર વગરનું આઈવા ડમ્પર ઘુસી ગયુ હતું અને જાણે એકડા ઘૂંટવાની ઇચ્છા હોય તેમ બેકાબુ ડમ્પર શાળાની દીવાલ તોડી ધડાકા ભેર શાળા સંકુલમા ચડી આવતા આસપાસના લોકો ભયભીત બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લાના તંત્રની મીઠી નજર હેઠળ આઈવા અને ડમ્પર ચાલકો બેફામ બની રોજે રોજ અકસ્માતોની વણજાર સર્જી રહયા છે ત્યારે આજે તો નંબર વગરનું ઓવરલોડેડ ડમ્પર શાળા સંકુલમાં દિવાલ તોડી અંદર ઘુસી જતા મોટી દુર્ઘટના સહેજમા ટળી હોવાનું લોકો જણાવી રહ્યા છે, સંજોગો વસાત આજે શાળા છૂટયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. જો શાળાના બાળકો ગ્રાઉન્ડના રમતા હોત તો કેવી દુર્ઘટના સર્જાઈ હોત તેની કલ્પના કરતા પણ ધ્રુજારી ઉપડી જાય તેમ છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર આવા બેકાબુ અને નંબર વગર રાક્ષસની જેમ દોડતા ડમ્પર ચાલકો અને માલિકો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરે તે સમયની માંગ છે.

- text

- text