સાહેબ.. મોરબી મન નથી લાગતું… પુત્ર વિરહમાં ઘર છોડી ગયેલા પિતાનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

- text


છેલ્લા ચાર વર્ષથી લાપતા બનેલા વૃદ્ધને અમદાવાદના બાવળા ખાતેથી શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ

મોરબી : જુવાનજોધ પુત્રએ આત્મહત્યા કરી લીધા બાદ વયોવૃદ્ધ પિતાનું મન મોરબી ઉપરથી ઉતરી જતા છેલ્લા ચાર વર્ષથી ઘર છોડી ચાલ્યા ગયેલા પિતાને તાલુકા પોલીસે શોધી કાઢી સમજાવટથી પરત મોરબી લાવી પરિવાર સાથે મિલાપ કરાવતા મધ્યમવર્ગીય પરિવારમા ખુશી છવાઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2019મા મોરબીની ધર્મદીપ સોસાયટીમાં રહેતા બટુકભાઈ રણછોડભાઈ ક્લોલા નામના ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા વૃદ્ધ ટ્રાન્સપોર્ટ જવાનું કહી લાપતા બનતા તેમના પત્ની રમાબેને પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી હતી અને પરિવારજનો તેમજ પોલીસે વ્યાપક શોધખોળ કરવા છતાં મળી આવ્યા ન હતા.

દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાએ આ પેચીદો કેસ હાથમાં લઈ ટેક્નિકલ સોર્સની મદદથી બટુકભાઈ રણછોડભાઈ ક્લોલાનો ફોન નંબર મેળવી લોકેશન શોધી કાઢતા આ વૃદ્ધ અમદાવાદ તાલુકાના બાવળા ખાતે હોવાનું જણાતા પોલીસ ટીમને રવાના કરી વૃદ્ધને શોધી કાઢ્યા હતા.

- text

બીજી તરફ વૃદ્ધ બટુકભાઈ પોલીસ ટીમને મળી આવ્યા બાદ જણાવ્યું હતું કે, દસેક વર્ષ પૂર્વે તેમના જુવાન પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાથી તેમનું મોરબીમાં મન ન લાગતું હોવાની સાથે સતત પુત્રના વિચારો આવતા હોય ઘર છોડ્યું હતું. જો કે પોલીસ ટીમે સમજાવટથી વૃદ્ધને પરત મોરબી લાવી પરિવારજનો સાથે મિલન કરાવતા ક્લોલા પરિવારમાં ખુશી છવાઈ હતી.

આ સારી કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા, એએસઆઈ એ.આર. ગામેતી, હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ઝાપડીયા, જયેશકુમાર ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા અને ચતુરભાઈ પરમાર સાહિતનાઓએ કરી હતી.

- text