મોરબીમા યુરિયા ખાતરમાંથી ઔદ્યોગિક રેઝીન બનાવવાનું કૌભાંડ ઝડપાયું

- text


ખેતીવાડી વિભાગની તપાસ દરમિયાન નવા સાદુળકા ગામની સીમમાં યુરિયાનો ખેતીને બદલે ઔદ્યોગિક વપરાશ થતો હોવાનું ખુલ્યું : 169 થેલી નીમ કોટેડ યુરિયા સ્થગિત

હળવદના પ્રતાપગઢથી ખેડૂતોને વેચાવનું યુરિયા મોરબી પહોંચ્યાનું ખુલ્યું

મોરબી : ખેડુતોને રાહતભાવે આપવામાં આવતા યુરિયા ખાતરનો મોરબીમા ઔદ્યોગિક રેઝીન બનાવવા ઉપયોગ કરવામાં આવતો હોવાની બાતમીને આધારે મોરબી ખેતીવાડી વિભાગે નવા સાદુળકા ગામની સીમમાં આવેલ કારખાનામાં દરોડાની કાર્યવાહી કરી નમૂના મેળવ્યા બાદ ગઈકાલે આ કૌભાંડ આચરનાર કારખાનેદારો અને ખેડૂતોને બદલે કારખાનામાં યુરિયા સપ્લાય કરનાર તમામ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા તેમજ રાસાયણિક ખાતર નિયંત્રણ કાયદા મુજબ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મદદનીશ ખેતી નિયામક સંજયભાઈ ભાણજીભાઈ દલસાણીયાએ ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં નવા સાદુળકા ગામની સીમમાં માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મનોજ સવજીભાઈ અઘારા અને બંધન ગણેશભાઈ વડસોલા નામના બે આરોપીઓ વિરુદ્ધ રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા અન્વયે ખેડૂતો માટે રાહતભાવે અપાતા સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ રેઝીન બનાવવા ઉપયોગ કરવા બદલ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં પ્રથમ કહી શકાય તેવા આ કૌભાંડમાં માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના માલિક મનોજ સવજીભાઈ અઘારા અને બંધન ગણેશભાઈ વડસોલા નામના આરોપીઓને ત્યાં મદદનીશ ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા સરકારના સબસીડાઈઝ નીમ કોટેડ યુરિયાની 169 બેગ કિંમત રૂપિયા 3,77,946 મળી આવતા ગત તા.31- 12 – 2022ના રોજ નમુના લઈ કૃષિ યુનિવર્સીટી જૂનાગઢ ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા જે અંગેના રિપોર્ટમાં યુરિયા જ હોવાનું ફલિત થતા માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના બંધન વડસોલાએ આ નમુનાને પડકારી ફેર ચકાસણી માટે ગાંધીનગર અરજી કરી હતી જો કે, ગાંધીનગર કચેરીએ ફેર ચકાસણીની અરજી ગ્રાહ્ય ન રાખતા મદદનિશ ખેતીવાડી નિયામક દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના મનોજ સવજીભાઈ અઘારા અને બંધન ગણેશભાઈ વડસોલા તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાયદા હેઠળ પગલાં ભરવા ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનિય છે કે, માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ રેઝીન બનાવવા માટે ઉપયોગમાં લેવાતું આ ખેડૂતોને વિતરણ કરવાનું નીમ કોટેડ યુરિયા હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામના રમેશ ફુલતરીયા પાસેથી મેળવ્યું હોવાની કબૂલાત આપતા યુરિયામાંથી રેઝીન બનાવવાના આ કૌભાંડમાં આવનાર દિવસોમાં અનેકને રેલો આવે તેમ હોવાનું મનાઇ રહ્યું છે.

- text