ઝૂલતા પુલ જેવી દુર્ઘટના ન સર્જાય તેવો અગમચેતીનો પ્રોજેકટ રજૂ કરતી હળવદની તક્ષશિલા સ્કૂલ

- text


રાજસ્થાનમાં યોજાયેલા સાયન્સ ટેક્નોફેરમાં હળવદના તક્ષશિલા સંકુલનો ડંકો

હળવદ : રાજસ્થાનમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ટેક્નોફેરમાં હળવદના તક્ષશિલા સંકુલે મોરબી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના ન સર્જાય તે માટેની આગોતરી ચેતવણી મળે તેવી આધુનિક ટેક્નોલોજી અંગેનો પ્રોજેકટ રજૂ કરી સૌને અચંબિત કરી દેશભરમાં નામના મેળવી હળવદનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના ઝૂલતા પુલ જેવી દુર્ઘટના ન બને તે માટે તક્ષશિલા સંકુલની વિદ્યાર્થીનીઓ- જગોદણા ધ્રુવી અને આલ આકાંક્ષાએ બનાવેલ સેન્સર આધારિત અગમચેતીનો પ્રોજેકટ રાજસ્થાન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના ટેક્નોફેરમા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ક્વિઝ સ્પર્ધામાં તક્ષશિલા સંકુલના હાલપરા કિશન, રાઠોડ મનીષ, સરારિયા ઉત્સવ અને સિંધવ હાર્દિકે ભાગ લીધો હતો. ઉપરાંત ઊર્જા સંરક્ષણનો પ્રોજેકટ બનાવવામાં ઝાલા દિપેશે ટ્રોફી મેળવી હતી. તો ધંધાણિયા પૂજા, વરુ હીના અને વરમોરા ક્રિશા ઈસરોના વિવિધ વૈજ્ઞાનિકોના રોલ પ્લે ભજવી નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જ્યારે સાબરિયા સંધ્યાએ ટેક્નો સ્પીચ સ્પર્ધા અંતર્ગત ‘સેટેલાઈટ અને ટેક્નોલોજી’ વિષય પર અંગ્રેજીમાં જોરદાર સ્પીચ આપી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દેશના ઈસરો વૈજ્ઞાનિક ડો. ભટ્ટ અને ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવલના હસ્તે સર્ટિફિકેટ અને ઈસરોના વૈજ્ઞાનિક દિલીપ ભટ્ટના હસ્તે મેડલ એનાયત કરાયા હતા. સમગ્ર નેશનલ ટેક્નોફેર માટે ભારતના ગણિતજ્ઞ ડો. ચંદ્રમૌલિ જોષી, મોહનજી ચૌધરી, NCTS ના નેશનલ સેક્રેટરી સંદિપ પાટીલ, સુનિલ વાનખેડે ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના એમડી ડો. મહેશ પટેલ અને રમેશ કૈલા, રોહિત સિણોજીયાએ અભિનંદન આપ્યા હતા. સાયન્સ ટીમના સંદિપ કૈલા, કલોલા યશ, જગોદણા ભરત અને મહેતા રાજેન્દ્ર અને બીનાબેન ધોળુંએ શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

- text

- text