વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આઠ સભ્યોના પરિવારે ઈચ્છામૃત્યુ માંગ્યું

- text


હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વ્યાજખોરોના પાપે આત્મહત્યા કરી લેનાર વૃદ્ધના પુત્રએ રાજ્યપાલ સમક્ષ અરજી કરતા ખળભળાટ : પોલીસ પગલાં ન ભરતી હોવાનો આરોપ

હળવદ : એક તરફ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાં ચામડાતોડ વ્યાજ વસુલતા વ્યાજખોરોને ઝેર કરવા ઝુંબેશ શરૂ કરી છે તેવા સમયે જ હળવદ તાલુકાના નાના એવા માલણીયાદ ગામે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા વૃધ્ધે 15 દિવસ પૂર્વે ટ્રેકટર નીચે ઝંપલાવી આપઘાત કરી લીધા બાદ પોલીસે કોઈ જ પગલાં ન ભરતા કંટાળેલા આઠ સભ્યોના પરિવારે બાળકો સહીત ઈચ્છામૃત્યુની રાજ્યપાલ સમક્ષ અરજી કરી માંગ કરતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યપાલને કરવામાં આવેલી અરજીમાં હળવદ પોલીસ વિરુદ્ધ પણ આક્ષેપો કરાયા છે.

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોપાલભાઈ જયંતિભાઈ પરમારે ગુજરાતના રાજ્યપાલને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, અમો નવા માલણીયાદ મુકામે રહીએ છીએ અને મજૂરી કામ કરીએ છીએ. અમારા પિતા જયંતિભાઈ જીવણભાઈ પરમાર કરજમાં ડૂબી જતાં અને લેણદારોની ધમકી અને દબાણ માં આવી ને તેઓએ ગત તા.21-12-2022 ના રોજ આત્મહત્યા કરેલ. તેઓએ મૃત્યુ સમયે સુસાઇડ નોટમાં તમામ માફિયાઓના નામ લખેલ છે જેઓ મારા પિતાને ધાક ધમકી આપતા અને મારી નાખવાની વારંવાર ધમકી આપતા જેઓના ત્રાસથી કંટારીને મારા પિતાએ આ પગલું ભરેલું હોય અમોએ અમારા પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, અમારા પિતાએ માફિયા લોકોનું દેવું ચૂકતે કરવા માટે ખેતર મકાન તથા સોનું પણ વેચી નાખેલ હતું પરંતુ આ બધુ વેચી દેવા છતાં તેઓનો કરજો ચૂકતે કરી શકેલ નથી કેમ કે આ માફિયા લોકોના ઊંચા વ્યાજદર હોય અમો તેમનું દેવું ચૂકવી શકીએ તેમ નથી હવે તેઓનું દેવું ચૂકવવા અમારી પાસે કોઈ મિલકત બાકી રહી નથી, અમારી પાસે જેટલી મિલકત હતી તે બધી જ અમારા પિતાએ વેચીને તેઓને રૂપિયા આપી દીધા છે હવે અમારી પાસે કોઈ જ મિલકત કે રોકડ રૂપિયા નથી અને અમોએ અમારા પિતાને પણ ગુમાવી દીધેલ છે જે અમારા કુટુંબના મોભી અને ઘરના કર્તાહર્તા હતા તેમની છત્ર છાયા ગુમાવી દીધેલ છે. હવે આ માફિયા લોકો અમારી પાસે રૂપિયા માંગે છે અમો આ માથાભારે માફિયા લોકો ના ત્રાસથી કંટાળી ગયેલ છીએ અને અમારે હવે જીવવાનું હરામ થઈ ગયું છે.

- text

રજુઆતમાં જણાવાયું છે કે, હળવદ પોલીસ સ્ટેશન ખાતે જ્યારે અમારા પિતાના હત્યારાઓ અને માથાભારે ઇસમો સામે ફરિયાદ કરવા ગયેલ તો પોલીસ સ્ટેશનમાં અમારી એફ.આઈ.આર સ્વીકારેલના હતી અમોએ અનેક વાર રજુઆત કરવા છતાં પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદની આજ દિન સુધી નોંધ કરી નથી અને અમોને સરખો જવાબ આપતા નથી. જેથી અમોએ એવું નક્કી કરેલ છે કે અમારા કુટુંબના બધા સભ્યો (1) લીલાબેન જયંતિભાઈ પરમાર (માતા) ઉં.53 (2) ગોપાલભાઈ જયંતિભાઈ પરમાર (પુત્ર) ઉ.31 (3)હિતેશભાઇ જયંતિભાઈ પરમાર (પુત્ર) ઉ.29 (4)પ્રશાંત ગોપાલભાઈ પરમાર (પૌત્ર) ઉ.11 (5) યશ ગોપાલભાઈ (પૌત્ર) ઉં. 7 (6) જૈનિશ હિતેશભાઈ પરમાર (પૌત્ર) ઉ.4 (7) અસ્મિતાબેન ગોપાલભાઈ પરમાર (પુત્રવધુ) ઉ.૩૦ અને (8) સરોજબેન હિતેશભાઇ પરમાર (પુત્રવધુ) ઉ.28 એકી સાથે એક જ સમયે અને એક જ સ્થળે આત્મ વિલોપન (ઈચ્છા-મૃત્યુ) કરવાનું નક્કી કરેલ તો આપ સાહેબને વિનંતી કે અમોને એક સાથે ઇચ્છા-મૃત્યુ કરવા અંગેની મંજૂરી આપશો જેથી અમો આ માથાભારે ઇસમોથી છૂટકારો મેળવી શકીએ અને અમારું જીવન ટૂંકાવી શકીએ.બસ આટલી જ અમારી અરજ છે.

આમ, હળવદ પંથકમાં ફાટીને ધુમાડે ગયેલા વ્યાજખોરોના પાપે એક પરિવારે ઘરના મોભી ગુમાવ્યા બાદ પોલીસ નિષ્ક્રિય રહેતા એક આખા પરિવારે ઈચ્છામૃત્યુની માંગ કરતા હાલમાં ખળભળાટ મચી ગયો છે.

- text