ટંકારા બેઠક ઉપર કાકાના કામનું સૂરસૂરિયું થઈ ગયું : લલિત કગથરાનો સ્વીકાર

- text


પરાજય બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ આપને ભાજપની બી-ટીમ ગણાવી હારનું ઠીકરું ફોડ્યું

2017માં ભાજપનો ગઢ જીત્યા બાદ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસ 10256 મતે પરાજિત : આપના ઉમેદવારે 17,834 મત મેળવ્યા

ટંકારા : વર્ષોથી ભાજપનો અજય ગઢ ગણાતી ટંકારા – પડધરી બેઠક ઉપર વર્ષ 2017માં પાટીદાર ફેકટરને કારણે કોંગ્રેસના લલિત કગથરાનો 30 હજારથી વધુ મતે વિજય થયા બાદ ભાજપની મોદી અને મોટી લહેર વચ્ચે આ બેઠક આજે કોંગ્રેસે ગુમાવવી પડી છે. ટંકારા બેઠક ઉપર ભાજપના દુર્લભજીભાઈ દેથરીયાના 10256 મતે વિજય બાદ ચૂંટણી પ્રચાર માટે કાકાના કામ બોલે છે સૂત્ર આપનાર લલિત કગથરાએ કાકાના કામનું સૂરસૂરિયું થઈ ગયું હોવાનું પોતાના મોઢે સ્વીકારી પરાજય માટે આમ આદમી પાર્ટીને કારણભૂત ગણાવી હારનું ઠીકરું ફોડ્યું હતું.

વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી બાદ ટંકારા – પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને 83,274 મત, કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને 73,018 મત અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણાને 17,834 મત મળતા ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાની 10256 મતે જીત થઇ હતી. ટંકારા – પડધરી બેઠક ઉપર જીત મેળવ્યા બાદ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈએ આ જીતને કાર્યકર્તાઓની જીત ગણાવી આવનાર સમયમાં તેઓ ટંકારા-પડધરી મત વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત ટંકારા શહેરને નગરપાલિકાનો દરજ્જો આપવા અંગે પ્રયત્નો કરશે તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ રાષ્ટ્રીય અને પ્રદેશ સંગઠને તેમના પર વિશ્વાસ મુકવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

ટંકારા – પડધરી બેઠક ઉપર પરાજય બાદ કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ ખેલદિલી પૂર્વક હાર સ્વીકારતા મજાક ભર્યા અંદાજમાં જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓએ આપેલા કાકાના કામ બોલે છે સૂત્રનું સુરસુરિયું થઈ ગયું છે. વધુમાં તેમને પરાજય માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે, મારી 10 હજારથી વધુ મતે હાર થઇ છે સામાપક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવાર 17,834 મત મેળવી જતા તેમના મત કપાઈ જતા આપ ને ભાજપની બી ટીમ ગણાવી કાકાના કામને બદલે લોકોને ભાજપ વધુ પસંદ પડતું હોવાનું અંતમાં જણાવ્યું હતું.

- text