વાંકાનેરમાં ભાજપનો હિન્દુત્વનો મુદ્દો અસરકારક રહ્યો : જીતુ સોમાણીની 20 હજાર મતે જીત

- text


કોંગ્રેસના ગઢમાં યોગી આદિત્યનાથે સભા ગજવવાની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ કોંગ્રેસ માટે હારનું કારણ બન્યા : આપના ઉમેદવારે પણ વાંકાનેરમાં અધધ 53,485 મતો મેળવ્યા

મોરબી : આઝાદીકાળ બાદથી વાંકાનેર – કુવાડવા બેઠક ઉપર કોંગ્રેસનું કાયમી પ્રભુત્વ વર્ષ 2022માં ઘ્વસ્ત થયું છે. લઘુમતિ અને કોળી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક ઉપર ભાજપની ટોચની નેતાગીરીએ આ વખતે મોરબી ભાજપ સંગઠનની ઉપરવટ જઈ આખાબોલા અને બેબાક નેતા જીતુ સોમાણીને મેદાનમાં ઉતારી ઉતરપ્રદેશના બુલડોઝર બાબા યોગી આદિત્યનાથને પ્રચારમાં ઉતારતા હિન્દુત્વની વેવ ઉપરાંત આમ આદમી પાર્ટીના કોળી સમાજના નેતાને કારણે અહીં ભાજપનું પલડું ભારી રહેતા જીતુ સોમાણીનો 20 હજાર મતે જંગી બહુમતીથી વિજય થયો છે.

1962 બાદ મોરબી જિલ્લાની વાંકાનેર કુવાડવા બેઠક ઉપર યોજાયેલ ચૂંટણીમાં સાત વખત કોંગ્રેસે જીત મેળવી છે અને છેલ્લે 2002માં આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયોત્સનાબેન સોમાણી 9621 મતે વિજય મેળવ્યા બાદ વર્ષ 2007, 2012 અને 2017માં કોંગ્રેસના મહમદ જાવિદ પીરઝાદાએ જીતની હેટ્રિક જાળવી રાખતા આ બેઠક જીતવી ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની હતી. જો કે, વર્ષ 2021માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે અહીં અભૂતપૂર્વ પ્રદર્શન કરી તાલુકા પંચાયત ઉપર પ્રથમ વખત કબ્જો કરતા જ વાંકાનેર વિધાનસભા બેઠક જીતવા માટેનું પ્રથમ પગથિયું ભાજપે સર કરી જીતુ સોમાણીના નેતૃત્વમાં નગરપાલિકા ઉપર પણ કબ્જો કર્યો હતો.

જો કે, આજે સવારે મતગણતરી શરૂ થતા જ કોંગ્રેસના ગઢના બેલા એક બાદ એક ખરતા હોય તેવી સ્થિતિ વચ્ચે પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીની ટવેન્ટી – ટવેન્ટી જેવી ઇનિંગ શરૂ થઈ હતી અને 1434 મતની લીડ સાથે વિજય યાત્રાનો મંગલ પ્રારંભ કરતા વચ્ચે એકાદ-બે રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદાને લીડ મળી હતી. આ બેઠક ઉપર ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે બુલડોઝર બાબા યોગી આદિત્યનાથને પ્રચાર મેદાનમાં ઉતારતા જાણે હિંદુત્વની લહેર છવાઈ હોય તેવું આજે ઈવીએમ ખુલ્યા બાદ જોવા મળ્યું હતું.

- text

67 વાંકાનેર – કુવાડવા બેઠક ઉપર આ વખતે સાડાત્રણ ટકા જેટલું મતદાન ઘટ્યું હતું. આજે મતગણતરીમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીને 80,677 મત, કોંગ્રેસના ઉમેદવાર મહમદ જાવિદ પીરઝાદાને 60,722 મત અને કોળી સમાજના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીને 53,485 મત મળ્યા હતા અને મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીનો 19,955 મતે ઝળહળતો વિજય થયો હતો.ઉલ્લેખનીય છે કે વાંકાનેર બેઠક ઉપર હિન્દુત્વનું મોજું છવાઈ જવાની સાથે કોળી સમાજના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસની જીત માટે અવરોધક બન્યાનું સ્પષ્ટ ચિત્ર પણ ઉપસીને સામે આવ્યું છે.

સૌથી મહત્વની અને ચોંકાવનારી બાબત એ રહી કે, વાંકાનેર બેઠક ઉપર છેલ્લી ઘડી સુધી ભાજપના વિજેતા બનેલા ઉમેદવાર જીતુ સોમાણી સામે મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નારાજગી યથાવત રહી હતી પરંતુ ભાજપ મોવડી મંડળ સામે મોરબી સ્થાનિક મોટાગજાના નેતાઓની હઠ કે જીદનું કઈ ઉપજ્યું ન હતું અને ધાર્યું ધણીનું નહીં પણ ટોચની નેતાગીરીનું થતા વિરોધીઓ પણ મતભેદ ભૂલી જીતુભાઈની જીત માટે કામે લાગી જતા આજે વાંકાનેર બેઠક ઉપર ભાજપને 20 વર્ષ બાદ જીતના મીઠા ફળ ચાખવા મળ્યા છે.

- text