મોરબીમાં સ્મશાન અને કબ્રસ્તાન ટૂંકા પડયા

- text


મોરબીના ચારેય સ્મશાનમા અંતિમ ક્રીયા માટે કોરોના કાળ જેવી પરિસ્થિતિ

મોરબી : ઝૂલતો પુલ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુઆંક 140 સુધી પહોંચતા હાલ મોરબીના સ્મશાન અને કબ્રસ્તાન ટૂંકા પડી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ગઈકાલે તા.30 ઓક્ટોબરની ગોઝારી સાંજે મોરબીની શાન સમો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા નાના મોટા 140 જેટલા લોકોના અકાળે અવસાન થતાં આજે સવારથી મોરબીના ચારેય સ્મશાન ટૂંકા પડી રહ્યા હોય તેવી સ્થિતિમાં એક પછી એક મૃતદેહોને અંતિમ વિધિ માટે લાવવામાં આવી રહ્યા છે. એ જ રીતે ગઇકાલની દુર્ઘટનામાં અનેક મુસ્લિમ પરિવારના સ્વજનોના પણ મૃત્યુ નિપજ્યા હોય કબ્રસ્તાનમાં પણ વેઇટિંગ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મોરબીમાં કોરોના કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હાલમાં લીલાપર રોડ, સામાકાંઠા, વિશિપરા નદી સ્મશાન અને સતવારા સમાજ સંચાલીત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે સવારથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

આજે સવારે સામાં કાંઠા સ્મશાન ગૃહમાં સાત મૃતદેહો અંતિમ વિધિ માટે આવ્યા હતા જેમાં એક જ પરિવારના બે બાળકોમાં મિતરાજસિંહ અરવિંદસિંહ જાડેજા ઉ.10 અને રવિરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા ઉ.11ના મૃતદેહ અંતિમ વિધી માટે લાવવામાં આવ્યા હતા આ બન્ને બાળકો અને તેમના પરિવારના સાત સભ્યો ઝૂલતા પુલ ફરવા ગયા હતા જ્યા પરિવારના પાંચ મોટેરાઓ બચી ગયા હતા પરંતુ કમનસીબે બન્ને બાળકોને કાળ ભરખી ગયો હતો.

- text

- text