ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મેઇન્ટનન્સ, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ 

- text


સીટી બી ડિવિઝન પીઆઇ દેકેવાડિયા ખુદ ફરિયાદી બન્યા

મોરબી : મોરબીનો ઓળખ સમો ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે આ ગંભીર દુર્ઘટના અંગે ગતરાત્રીના ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા ઝૂલતોપુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી અને તપાસમાં ખુલે તે તમામ લોકો સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે.

વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી ખાતે મચ્છુ નદિ પર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર તા.30ના રોજ સાંજના 6.30 કલાકના અરસામાં તુટી જતા આશરે 50 થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે 150થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોવાનું જણાવાયું છે.

- text

વધુમાં આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત, એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ, મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ ઝૂલતા પુલ ઉપર પ્રવાસન અર્થે આવતા આમ નાગરીકોનું મૃત્યુ નીપજવાનો તથા શારીરીક હાની પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં, સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવુ જાણતા હોવા છતા આ બ્રીજ તા.26ના રોજ ખુલ્લો મુકેલ જેના કારણે ઉપરોકત દુઃખદ ઘટના બનવા પામેલ હોવાનું અને ઘટનામાં આશરે 50 થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ હોય સપરાધ મનુષ્યબ્ધ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે અને વધુ તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

- text