હળવદ પંથકમાં હાહાકાર મચાવનાર ચોરને પકડી લેતા ચરાડવાના ગ્રામજનો

- text


જિલ્લા પોલીસ વડા ચરાડવામાં પોલીસ ચોકી શરૂ કરવાની ખાતરી આપે પછી જ ચોરને સોંપશુ : ગ્રામજનો રોષભેર પોલીસની ગાડી આડે ફરી વળ્યાં

હળવદ : છેલ્લા પંદર દિવસ કરતા વધુ સમયથી હળવદ પંથકમાં તસ્કરો હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે ધોળે દિવસે એક મકાનમાં ચોરી કરવા ઘુસેલા ચોરને ગ્રામજનોએ ઝડપી લીધો છે. જો કે ચોરને પકડી લીધા બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જિલ્લા પોલીસવડા ચરાડવા આવે અને અહીં પોલીસ ચોકી શરૂ કરવામાં આવે તો જ ચોર પોલીસને સોંપવામા આવશે તેવું જાહેર કરી પોલીસની ગાડીને પણ લોકોએ બાનમાં લેતા ડીવાયએસપી સહિતનો કાફલો હાલ ચરાડવા પહોંચી ગયો છે અને લોક રોષ શાંત પાડવા પ્રયાસ કરી રહ્યા છે.

સમગ્ર હળવદ તાલુકામાં છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી દરરોજ ચોરીના બનાવો બની રહ્યા છે અને રાત્રે તો ઠીક દિવસે પણ તસ્કર ટોળકી ગુન્હાને અંજામ આપી રહી છે ત્યારે આજે ધોળે દહાડે ચરાડવા ગામે એક મકાનમાં ચોરી કરવા ઘુસેલ તસ્કર ટોળકીના એક સ્થાનિક શખ્સને જાગૃત લોકોએ દબોચી લઈ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આશ્ચર્ય તો એ વાતનું છે કે ચોરીના બનાવ વધતા હળવદ તાલુકાના ગામેગામ લોકો રાત ઉજાગરા કરી તસ્કરને ઝડપી લેવા પોલીસની જેમ જ રોનમાં નીકળે છે ત્યારે આજે ચરાડવામાંથી ઝડપાયેલ શખ્સ પણ પ્રજાજનો સાથે રહી ચોર પકડવાનું નાટક કરી પોતે જ ચોરી કરતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text

બીજી તરફ ચરાડવા ગામે તસ્કર ટોળકીનો શખ્સ પકડાઈ ગયા બાદ આખું ગામ એક બનીને આગળ આવ્યું છે અને જ્યા સુધી જિલ્લા પોલીસવડા ચરાડવા ન આવે તેમજ ચરાડવામાં પોલીસ ચોકી શરૂ ન થાય ઉપરાંત તાજેતરમાં થયેલા ચોરીની બે ઘટનાની ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પકડાયેલ આ ચોર પોલીસને નહિ સોપાય તેવી આક્રોશ ભરી માંગણી ચાલુ રાખતા ડીવાયએસપી, એલસીબી સહિતની પોલીસ ટીમ ચરાડવા દોડી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

- text