દિલ્હીની ઠગ મધુ શર્માએ મોરબીના નિવૃત બેન્ક કર્મચારી સાથે કરી 5.61 લાખની ઠગાઈ

- text


સુરત પોલીસે ઠગ બેલડીને પકડી લેતા મૃતક નિવૃત બેન્ક કર્મચારીના પુત્રે મોરબીમાં ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના નિવૃત બેન્ક કર્મચારીને જુદી-જુદી સ્કીમમાં નાણાંનું રોકાણ કરાવી રૂપિયા 5.61 લાખની ઠગાઈ કરનાર દિલ્હીની ઠગ મધુ શર્મા અને તેના મળતિયાને અન્ય ઠગાઈના ગુન્હામાં સુરત પોલીસે ગિરફ્તમાં લીધા બાદ ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જો કે સ્કીમમાં નાણાં રોકનાર નિવૃત બેન્ક કર્મચારીનું અવસાન થયું હોય હાલ પોલીસે તેમના પુત્રની ફરિયાદના આધારે ગુન્હો નોંધી ટ્રાન્સફર વોરંટથી બન્ને આરોપીઓનો કબ્જો લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં ગુરુકૃપા હોટેલ પાછળ આવેલી સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા નાનજીભાઈ મોહનભાઇ મકવાણાએ નિવૃત્તિ બાદ મરણ મૂડી સચવાઇ રહે તે માટે સારી જગ્યાએ નાણાં રોકવાના આશયથી દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ પાસે કુલ રૂપિયા 5,61,949 રૂપિયા રોકાણ કર્યા હતા પરંતુ ગત વર્ષે તેમનું નિધન થયા બાદ આરોપીઓએ નાનજીભાઈના પુત્રને ઉપરોક્ત નાણાં પરત કર્યા ન હતા.

- text

બીજી તરફ દિલ્હીની ઠગ મધુ શર્મા અને મહમદ અરશદને આવી જ સ્કીમમાં છેતરપિંડી બદલ સુરત પોલીસે ધરપકડ કરતા સુરત પોલીસે મૃતક નાનજીભાઈના પુત્ર વિશાલભાઇ નાનજીભાઇ મકવાણાને તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ છે કે, કેમ તે અંગે પુછાણ કરતા વિશાલભાઈ મકવાણાએ તેમના મૃતક પિતાજી સાથે થયેલી છેતરપિંડી મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઠગ મધુ શર્મા અને મહમદ અરશદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા તજવીજ શરૂ કર્યાનું જાણવા મળે છે.

- text