મોરબીના વતની એસટી ડ્રાઇવરની આત્મવિલોપનની ચીમકી

- text


મીડિયા સાથે વાત કરવાની સજા રૂપે નોકરીમાંથી બરતરફ થયા બાદ પુનઃ નોકરીએ તો લીધા પરંતુ અધિકારીઓના ત્રાસમાંથી મુક્તિ નહીં મળ્યાનો આરોપ

મોરબી : મોરબી ડેપોની જોખમી બસ અંગે મીડિયા સમક્ષ સત્ય બોલનાર એસટી ડ્રાઇવરને સજા રૂપે દંડ, નોકરીમાંથી બરતરફી અને છેલ્લે નોકરીમાં પુનઃ સ્થાપિત કરી ગોંડલ બાદ જસદણ બદલી કરવા છતાં એસટીના અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતા મોરબીના વતની બસ ડ્રાઇવરે એસટીના મેનેજીંગ ડિરેક્ટર પાસે આત્મવિલોપનની મંજૂરી માંગી મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી સહિતને નકલ રવાના કરતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસટી ડેપોમાં ફિક્સ પગારદાર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ દોઢેક વર્ષ પહેલા મોરબી ડેપોમાં ખખડધજ એસટી બસ અંગે મીડિયા સમક્ષ આપેલા ઇન્ટરવ્યૂને કારણે નિગમના અધિકારીઓ દ્વારા અલગ અલગ પાંચ પ્રકારની સજા કરી દંડ અને ગોંડલ ખાતે બદલી કરી નાખ્યા બાદ છેલ્લે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા અને હાલમાં નોકરીમાં પુનઃ સ્થાપિત કરી તેમને જસદણ ખાતે બદલી કરી દેવામાં આવી છે.

- text

વધુમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોઈપણ જાતના વાંક વગર અજાણતા મીડિયા સમક્ષ આપેલ ઇન્ટરવ્યુના કારણે તેઓને એસટીના સ્થાનિક યુનિયન અગ્રણી, અધિકારીઓ દ્વારા માનસિક રીતે હેરાન કરતા હોય અને વતનથી દૂર નોકરી આપી હોવાથી હાલમાં બીમાર પુત્રીને કારણે જીવન દુષ્કર બનતા તેમને નિગમના મેનેજીંગ ડિરેક્ટરને પત્ર લખી આત્મવિલોપનની મંજૂરી માંગી આ પત્રની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, વાહન વ્યવહાર મંત્રી સહિતનાઓ મોકલતા એસટી વર્તુળમાં ચકચાર જાગી છે.

- text