મોરબીમાં ટાઈલ્સ ખરીદીના ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

- text


મૂળ રકમ 5 લાખની બમણી રકમ રૂ. 10 લાખ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

મોરબી : મોરબીના ચેક રીટર્ન કેસમાં આરોપીઓને એક વર્ષની સાદી કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ રૂ. ૫,૦૦,૫૮૫/- ની બમણી રકમ રૂ. ૧૦,૦૧,૧૭૦/- નો દંડ તેમજ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી સ્કાજેન વીટ્રીફાઈડ પ્રાઇવેટ લીમીટેડ (પીપળી-જેતપર રોડ, ગામ હરીપર, મોરબી) પાસેથી મોરબીના આરોપી ઈમીલીયા એક્ષ્પોર્ટના પાર્ટનર, જીગ્નેશભાઈ જગજીવનભાઈ ગાંભવા અને કિશોરભાઈ વરજાંગભાઈ સોલંકીએ ટાઈલ્સની ખરીદી કરી હતી. જેની બાકી રહેતી લેણી રકમ પૈકી રૂ. ૬,૨૫,૫૮૫ /- વસૂલ આપવા આરોપીએ ચેક આપ્યો હતો. આ ચેક રીટર્ન થતા ફરીયાદીએ આરોપીઓ સામે ફોજદારી કેસ નં. ૧૪૬૪/૨૦૨૦ થી નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળની ફરીયાદ મોરબીના ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૦ ની સાલમાં દાખલ કરાવ્યો હતો.

- text

જે ફરિયાદની ટ્રાયલ દરમ્યાન આરોપીઓએ રૂ. ૧,૨૫,૦૦૦/- ફરિયાદીને ચૂકવ્યા હતા અને બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા ઈમીલીયા એક્ષ્પોર્ટના બંને પાર્ટનરોને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ કેસની આખરે બાકી નીકળતી રકમ રૂ. ૫,૦૦,૫૮૫/- ની બમણી રકમ રૂ. ૧૦,૦૧,૧૯૦/- નો દંડ તેમજ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારાએ કોર્ટમાં રજૂઆતો કરી હતી.

- text