મોરબીના સિરામિક ઉદ્યોગને મૃત:પ્રાય થતો બચાવવા મુખ્યમંત્રીને રજુઆત

- text


ઉદ્યોગ પર નભતા કર્મચારીઓ અને મજૂરોની આજીવિકા પર ખતરો
ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ વધારવા સ્કીમ લાવીને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માંગ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગને મૃત:પ્રાય થતો બચાવવા સમયસર યોગ્ય પગલાં ભરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીમાં ભારતનો સૌથી મોટો તેમજ દુનિયામાં બીજા નંબરનો સિરામિક ઉદ્યોગ સ્વયંભુ વિકસેલો છે. આ ઉદ્યોગ દ્વારા અનેક લોકો ભાગીદારીથી, નોકરી દ્વારા તેમજ મજુરી દ્વારા પોતાની રોજીરોટી રળી રહ્યા છે. મોરબીના સિરામિક ઉદ્યોગના કારણે અહીં અન્ય બીઝનેસ જેવા કે ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ વગેરે પણ વિકસેલા છે. આ ઉદ્યોગોમાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો પોતાની રોજીરોટી રળવા આવે છે. આમ, આ ઉદ્યોગ આશરે ત્રણ લાખથી પણ વધારે મજુરોને આજીવિકા રળવાનું સાધન બન્યો છે.

હાલમાં આ ઉદ્યોગ મૃત:પ્રાય અવસ્થામાં આવી ગયેલો છે. પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો, કન્ટેઈનરનો ભાવવધારો, રો-મટીરીયલ્સનો ભાવવધારો, ઈલેક્ટ્રીસીટીનો ભાવવધારો અને હવે ગુજરાત સરકારની કંપની ગુજરાત ગેસ દ્વારા લાદવામાં આવેલ કમરતોડ ભાવવધારાના કારણે આ ઉદ્યોગ ભાંગી પડેલ છે. હાલમાં 50%થી પણ વધારે યુનિટો બંધ છે. અને ચાલુ યુનિટો છે, તે પણ 50% જ ઉત્પાદન લઇ શકે છે. આમ હાલમાં 25% જ ઉત્પાદન છે. તેવું કહી શકાય. જેના લીધે ઘણા યુવાનો તેમજ મજુરોએ પોતાની નોકરી અને રોજીરોટી ગુમાવેલ છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ હવે મોરબીની સિરામિક પ્રોડક્ટની પડતર ના થતી હોવાથી એક્સપોર્ટ પણ ઘટી જવા પામેલ છે. ડોમેસ્ટિક માર્કેટમાં પણ ભાવ વધારાના કારણે ડીમાંડમાં મોટા પાયે ઘટાડો આવેલ છે. જો આવું જ ચાલશે તો આ ઉદ્યોગ પડી ભાંગશે અને ઘણા ફેકટરી માલિકો બેહાલ થશે, મજુરો બેકાર થશે.

- text

રજુઆતના અંતે (૧) ગેસનો ભાવવધારો બંધ કરી, ભાવોમાં ઘટાડો કરો અને ગુજરાત સરકારનો જે પણ ટેક્સ ગેસ પર હોય તે નાબુદ કરવો (૨) કન્ટેઈનરના ભાવ વધતા જે એક્ષ્પોર્ટમાં ઘટાડો આવેલ છે. તે એક્ષ્પોર્ટમાં વધારો થાય તે માટે એક્ષ્પોર્ટ કરનાર યુનિટને કન્ટેઈનર ભાડા સામે સબસીડી આપવી (૩) આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અન્ય દેશની પ્રોડકસ સામે ભારતનો માલ ભાવની પેરીટી એ ટકી શકે, તે માટે ગુજરાત સરકારમાંથી એક્ષ્પોર્ટ કરનારને કરવેરાના લાભો આપવો (૪) જેમ પેટાચુંટણીના પરિણામની અસરથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ભારત સરકારે ઘટાડો કરેલ છે. તેમ ગુજરાત સરકાર ગેસના ભાવમાં તેમજ ઇલેક્ટ્રિકના યુનિટના ભાવમાં ઘટાડો કરવો (૫) વારંવાર ભાવવધારો આવશે તેવા સમાચારો બંધ કરીને ઉદ્યોગકારોને થતા માનસિક ત્રાસમાંથી બચાવો અને તેઓને હૈયાધારણા આપો કે હવે એક વર્ષ સુધી ભાવવધારો નહિ થાય. અને તેવું આયોજનો કરવું (૬) ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ વધે તે માટે ઉદ્યોગકારોને કોઈ સ્કીમ લાવીને પ્રોત્સાહન આપવા તેમજ (૭) મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે. તેવી રીતે નબળા પડેલા યુનિટોના દેવા માફ કરીને તે ફરીથી પોતાનો બિજનેસ ચાલુ કરી શકે તેવી સ્કીમ લાવવા રજુઆત કરવામાં આવી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text